લાંબુ અંતર-મોટો પડકાર: આર્જેન્ટિનાએ ભારતને 20,000 કિમી દૂરથી કરી મદદ, પહેલા ક્વાર્ટરમાં જ 50,000 ટન LPG સપ્લાય
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હોર્મુઝ જળમાર્ગમાં ખલેલ પડતાં ભારતની LPG સપ્લાય ચેઇન પર ગંભીર અસર થઈ છે ત્યારે એ સંકટ વચ્ચે દક્ષિણ અમેરિકાનો દેશ અર્જેન્ટીના ભારત માટે મહત્વનો સાથી બનીને આગળ આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં જ આર્જેન્ટિનાએ ભારતને 50,000 ટન LPG ની નિકાસ કરી છે.નોંધનીય છે કે 2025ના સમગ્ર વર્ષમાં આ આંકડો માત્ર 22,000 ટન હતો.એટલે કે આ વર્ષે અત્યાર સુધીમાં જ પુરવઠામાં બમણાથી વધુ જથ્થો આવી ગયો છે.
આમાંથી અંદાજે 39,000 ટન માલ સંઘર્ષ વધતા પહેલા જ ભારત પહોંચ્યો હતો, જ્યારે વધુ 11,000 ટનનો જથ્થો 5 માર્ચે રવાના કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 2024 પહેલા આર્જેન્ટિનાએ ભારતને LPG સપ્લાય કર્યો નહોતો. અર્થાત્ એ દ્વિપક્ષીય ઊર્જા સહકાર ખૂબ ઝડપથી વિકસ્યો છે. ભારત હવે 40થી વધુ દેશોમાંથી ઊર્જા સ્ત્રોત મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જેમાં આર્જેન્ટિના એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. આ પગલું પરંપરાગત સપ્લાય રૂટ પરની નિર્ભરતા ઘટાડવા માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું માનવામાં આવે છે.
લાંબુ અંતર—મોટો પડકાર
આર્જેન્ટિનાના બહિયા બ્લાંકા પોર્ટથી ગુજરાતના દહેજ સુધીનો લગભગ 20,000 કિમીનો દરિયાઈ માર્ગ ઊર્જા પરિવહન માટે અત્યંત લાંબો ગણાય છે. આ કારણે પરિવહન ખર્ચ વધી જાય છે, ડિલિવરી સમય લંબાય છે અને હવામાન સહિતના જોખમો પણ વધે છે. છતાં, આ વ્યવસ્થા ભારત માટે ઊર્જા સપ્લાયના વિકલ્પોને વિસ્તૃત કરવાનો મહત્વનો રસ્તો સાબિત થઈ રહી છે.
