એક સમયે IPLમાં 30 લાખમાં વેચાયેલા આર્યમન બિરલાએ ખરીદી લીધી આખી ટીમ! 16706 કરોડ ચૂકવી બન્યા RCB ચેરમેન
IPL-2026 શરૂ થાય તે પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના માલિક બદલાઈ ચૂક્યા છે. 16706 કરોડ રૂપિયાના સોદા બાદ ટીમના નવા બોસ એક એવા વ્યક્તિ બન્યા છે જે એક સમયે IPL ઑક્શનમાં 30 લાખ રૂપિયામાં વેચાયા હતા. આરસીબીને ખરીદનાર આર્યમન વિક્રમ બિરલા છે, જેઓ એક ખેલાડીથી સીધા ચેરમેન બન્યા છે.
આરસીબીને આદિત્ય બિરલા ગ્રુપ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ અને બ્લેક સ્ટોને સંયુક્ત માલિકીહક્ક સાથે ખરીદી છે. યુનાઈટેડ સ્પિરિટસ લિમિટેડ સાથે તેમણે 160706 કરોડ રૂપિયામાં સોદો કર્યો છે.
આરસીબીના નવા બોસ આર્યમન બિરલાનું પૂરું નામ આર્યમન વિક્રમ બિરલા છે, જે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાના પુત્ર છે. આર્યમન હજુ 28 વર્ષના છે અને ઘરેલુ ક્રિકેટમાં મધ્યપ્રદેશ વતી રમે છે. આર્યમન બિરલાએ આરસીબીના કેપ્ટન રજત પાટીદાર અને વેંકટેશ અય્યર સાથે ડ્રેસિંગ રૂમ પણ શેર કર્યો છે.
તેમણે 9 ફર્સ્ટ ક્લાસ મેચ મધ્યપ્રદેશ માટે રમી છે અને આ દરમિયાન 414 રન બનાવ્યા છે. બંગાળ વિરુદ્ધ ઈડન ગાર્ડન્સમાં તેમણે એક સદી પણ બનાવી હતી. ચાર લિસ્ટ-એ મેચમાં તેમણે 36 રન બનાવ્યા હતા.
આર્યમન બિરલાને IPL-2018 મેગા ઑક્શનમાં રાજસ્થાન રોયલ્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. જો કે તેમને કોઈ પણ મેચ રમવાની તક મળી નહોતી અને ફ્રેન્ચાઈઝીએ 2020 સીઝન પહેલાં તેમને રિલીઝ કરી દીધા હતા.
