રાજકોટ મહાપાલિકામાં ‘ભૂતપૂર્વ’ થતાં પહેલાં નેતાઓ ‘એક્શન મોડ’માં: આજે 362 કરોડના ‘વિકાસ’નું લોકાર્પણ-ખાતમુહૂર્ત
રાજકોટ મહાપાલિકાના શાસકોની ચાલુ ટર્મની મુદત પૂર્ણ થવા આડે પાંચ દિવસનો સમય બાકી રહ્યો છે અને 11 માર્ચે સાંજે છ વાગ્યાથી હાલના શાસકો ભૂતપૂર્વ' બની જવાના હોય તે પહેલાં ચૂંટણીને ધ્યાનમાં રાખી નેતાઓ એક્શન મોડ’માં હોય તે પ્રકારે આજે 3 વાગ્યે (શનિવાર 7 માર્ચ) મહાપાલિકા અને `રૂડા’ હસ્તકના 362 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું
રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કામો ઉપર નજર કરવામાં આવે તો રેલનગરમાં નવો બગીચો, આરોગ્ય કેન્દ્ર, રેસકોર્સમાં ફૂટબોલ ગ્રાઉન્ડ તેમજ હોકી ગ્રાઉન્ડ વચ્ચે વ્યુઈંગ ગેલેરી, કોઠારિયા રોડ પર વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.12માં પેટા વોર્ડ ઓફિસ સહિતના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :મહિનાના અંતમાં રાજકોટ મહાપાલિકાની ચૂંટણી થશે જાહેર: નવા 1 લાખ મતદાર ઉમેરાશે, મતદારોની સંખ્યા પણ 11 લાખને આંબી જશે
આ ઉપરાંત કટારિયા બ્રિજમાં નડથર એમ.એસ. લાઈન શિફટ કરવાનું તેમજ 711 એમ.એમ. લાઈન નાખવા, 150 ફૂટ રિંગરોડ તેમજ જામનગર રોડ જંકશન પાસે ભવ્ય એન્ટ્રી ગેઈટ, કોસ્મોપ્લેક્સ પાસેથી 150 ફૂટ રિંગરોડને જોડતાં 54 ફૂટના રસ્તાને ડેવલપ કરવા, વોર્ડ નં.6માં મહારાણા કોમ્યુનિટી હોલ રિ-ડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ જ રીતે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
