‘વોઈસ ઓફ ડે’એ પૂછયું, ધમકીભર્યા E-MAILના મુળ સુધી પોલીસ કેમ નથી પહોંચી શકતી ? DGPએ કહ્યું-ધમકી આપનારા સુધી પહોંચ્યા છીએ: વિદેશ બને છે ‘નડતર’
રાજકોટ સહિત રાજ્યમાં છેલ્લા ઘણા મહિનાઓથી કોર્ટ, સ્કૂલ, પાસપોર્ટ-પોસ્ટ ઓફિસ સહિતને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળી રહ્યા છે આમ છતાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ આરોપી તેમજ ઈ-મેઈલના મુળ સુધી શા માટે પહોંચી શકતી નથી તેવો પ્રશ્ન ‘વોઈસ ઓફ ડે’ દ્વારા ઈન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન.રાવને પૂછવામાં આવતાં તેમણે દાવા સાથે જણાવ્યું હતું કે આ મુદ્દો એકદમ સંવેદનશીલ હોવાથી પોલીસ બારીકાઈથી તેની તપાસ કરી રહી છે અને આ પ્રકારે ધમકી આપનારા સુધી પણ પોલીસ પહોંચી ગઈ છે પરંતુ મહત્તમ કિસ્સાઓમાં આ પ્રકારની ધમકી આપવા માટે વિદેશ આધારિત વીપીએન (વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક)નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી થોડો વિલંબ થઈ રહ્યો છે.
ઈન્ચાર્જ ડીજીપી ડૉ. રાવે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ફોક્સ કોલ તેમજ ઈ-મેઈલ આવી રહ્યા છે તે ખરેખર ચિંતાની બાબત છે. આ મુદ્દે ક્રાઈમ કોન્ફરન્સમાં પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ માટે સેન્ટર ઓફ એક્સેલેન્સની ટીમ તેમજ ક્રાઈમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓની ટીમ ઉંડાણ સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે ધમકી આપનારા તત્ત્વો સુધી પોલીસ પહોંચી ચૂકી છે. જો કે મહત્તમ કોલ અને ઈ-મેઈલ માટે વિદેશી વીપીએનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાથી એ મુદ્દો થોડો નડતરરૂપ થઈ રહ્યો છે આમ છતાં પોલીસ ટૂંક સમયમાં મુળ સુધી પહોંચી આ પ્રકારની હરકત કરનારા લોકોનો પર્દાફાશ કરશે.
‘વોઈસ ઓફ ડે’ દ્વારા ઈન્ચાર્જ ડીજીપીને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના નામે અંદાજે દસથી વધુ ફેક ફેસબુક આઈડી બન્યા છે. આ ઉપરાંત અન્ય અધિકારીઓ તેમજ મહાનુભાવોના નામે ફેક આઈડી બનાવી પૈસાની માંગણી કરવામાં આવે છે ત્યારે આ દિશામાં પોલીસ શું કાર્યવાહી કરી રહી છે ? આ અંગે ડૉ. રાવે જણાવ્યું કે ફેક આઈડી બનાવનાર તત્ત્વો સુધી પણ પોલીસ પહોંચી છે અને તેનો ભાંડાફોડ પણ કરવામાં આવશે.
