માત્ર ગેરકાયદે મિલકત જ નહીં,’જંગલ’ના ગુંડાઓના સામ્રાજ્યનું પણ ડિમોલિશન! બૂલડોઝર-હિટાચીની એક થપાટે ઓરડી અને મકાનને કર્યા ખેદાનમેદાન
રાજકોટના અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં જેનું નામ લેવાય છે તે જંગલેશ્વર, જેને ગુનેગારોના ‘જંગલ’થી પણ ઓળખવામાં આવે છે, ત્યારે મહાપાલિકા દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન કરી 1500થી વધુ ગેરકાયદેસર મકાન તોડી પાડ્યા છે.
ડિમોલિશન શરૂ થવાનું હતું તેના અમુક દિવસ અગાઉથી લઈ ડિમોલિશન પૂર્ણ ન થયું ત્યાં સુધીમાં એવા આક્ષેપો, અટકળો થઈ રહ્યા હતા કે તંત્ર દ્વારા ગરીબ માણસોને બેઘર કરવામાં આવ્યા છે. કદાચ અમુક જરૂરિયાતમંદ બેઘર જરૂર થયા છે તે વાતનો ઈનકાર ન થઈ શકે, પરંતુ એક વાત એ પણ નોંધવી જરૂરી છે કે તંત્રએ જંગલેશ્વરમાં માત્ર ગેરકાયદેસર મિલકતો જ નહીં, પરંતુ ‘જંગલ’ના ગુન્ડાઓએ બનાવેલા ‘સામ્રાજ્ય’નું પણ ડિમોલિશન કરી તેમને જબરદસ્ત આર્થિક ફટકો માર્યો છે.

જંગલેશ્વરમાં દારૂ, ગાંજો, ડ્રગ્સ સહિતના દરેક નશીલા પદાર્થો છૂટથી મળી શકતા હતા અને અહીં જ્યારે પોલીસ દરોડો પાડવા પહોંચે ત્યારે ભૂલા પડી જાય એવી ભૂલભુલામણીયુક્ત શેરીઓ અને ગેરકાયદેસર ઓરડીઓથી ગુનેગારોને ભાગી જવામાં સરળતા રહેતી હતી. હવે આ તમામ ગેરકાયદે મિલકતો તૂટી જતાં પોલીસ માટે પણ નશાના કારોબારના નેટવર્કને ભેદવામાં મુશ્કેલીનો સામનો કરવો નહીં પડવો.
બેનંબરી ધંધાઓમાં લીપ્ત ગુનેગારો દ્વારા જંગલેશ્વરમાં એક ઓરડીથી લઈ 48 ઓરડીઓ ચણી લઈ તેને ભાડે ચડાવી દેવામાં આવતી હતી. આ ઓરડીઓનું ભાડું 3000થી 6000 રૂપિયા લેવામાં આવતું હતું અને આ ઓરડીઓનો ઉપયોગ નશાનો સામાન સાચવવા માટે પણ થઈ રહ્યો હતો. ગુનેગારોએ ઓરડીઓ તથા ગેરકાયદે મિલકતો બનાવીને મોટું નફો કમાવ્યો.

આશ્ચર્યની વાત એ છે કે આ તમામ લોકોએ જંગલેશ્વરમાં ઓરડીઓ, વંડા વગેરે બનાવી ભાડે ચડાવી દીધું હતું, જ્યારે પોતે સુરક્ષિત વિસ્તારમાં જઈને આલીશાન બંગલા તૈયાર કર્યા હતા. અત્યારે ભોગવવાનો વારો ઓરડી સહિતનું ભાડે રાખનાર લોકોને આવ્યો છે.
બોક્સ: કોણે કેટલી ઓરડીઓ-મકાન ચણી લીધા?
- રહેમત ઉર્ફે રમા જુણેજા: 3 મકાન, 48 ઓરડી, 3000 ચોરસફૂટનો એક વંડો
- સમીર ઉર્ફે મુરઘો યાસીન પઠાણ: 3 મકાન
- સમીર ઉર્ફે સંજલો જાવિદ જુણેજા: 16 ઓરડી
- જાવિદ જુણેજા: 8 ઓરડી
- તનવીર ઉર્ફે તનીયો રફીક શીશાંગીયા: 1 દુકાન, 1 મકાન
- તોસિફ ઉર્ફે બાઘો અસીમ ઉમરેટિયા: 8 ઓરડી, 1 મકાન
- અસીમ ઉમરેટિયા: 12 ઓરડી, 1 મકાન
- આશિષ ઉર્ફે ગંધારો: 1 મકાન
- ઈમરાન ઉર્ફે ટીકડો: 1 મકાન, 1 દુકાન
- વિનુ સિંધવ: 1 ઓરડી, 1 દુકાન
- દિનેશ વાળા: 1 ઓરડી
