રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી નીકળશે 50,00,000 કિલો કાટમાળ! 4 દિવસ સુધી ઈંટ-બેલા-પથ્થરનો ‘કચરો’ જ સાફ કરાશે
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાપાલિકા દ્વારા 1489 મકાન સહિતના દબાણ ઉપર બુલડોઝર ફેરવી તમામને જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યા છે. સવા 2 કિલોમીટર વિસ્તારમાં કરાયેલા આ મેગા ડિમોલિશન બાદ મકાન-દુકાન સહિતના બાંધકામનો કાટમાળ પણ મોટાપાયે નીકળવાનો છે ત્યારે મહાપાલિકાના અધિકારી સૂત્રોએ વ્યક્ત કરેલા અંદાજ પ્રમાણે ડિમોલિશનની સંપૂર્ણ કાર્યવાહી બાદ કુલ 5000 ટન એટલે કે 50,00,000 કિલો કાટમાળ નીકળશે.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે ડિમોલિશન પૂર્ણ થયા બાદ કાટમાળને સાફ કરવા માટે ઓછામાં ઓછા 4 અને વધુમાં વધુ 1 સપ્તાહ સુધીનો સમય લાગી શકે છે. મહાપાલિકા પાસે હાલ પૂરતી માત્રામાં ડમ્પર, ટ્રેક્ટર-ટ્રોલી સહિતના સાધનો ઉપલબ્ધ હોવાથી બને એટલી ઝડપથી કાટમાળને ખસેડવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. આટલી મોટી માત્રામાં કાટમાળ નીકળી રહ્યો હોવાને કારણે તેનો વ્યવસ્થિત નિકાલ ક્યાં કરવો તેનું પ્લાનિંગ પણ કરી લેવામાં આવ્યું હોવાનું જણાવી ઉમેર્યું કે હાલ તમામ કાટમાળને ડમ્પર મારફતે દેવપરા ખાતે આવેલા પ્લોટમાં ઠાલવવામાં આવી રહ્યો છે અને ત્યાંથી કોઠારિયાની ઊંડી ખાણમાં નાખવામાં આવી રહ્યો છે.
આ ખાણ એટલી ઊંડી છે કે ત્યાં આવા 7 જંગલેશ્વરનો કાટમાળ સમાઈ શકે છે. આમ છતાં તંત્ર દ્વારા પ્લાન-બી પણ તૈયાર રાખવામાં આવ્યો છે અને જરૂર પડ્યે કાટમાળને નાકરાવાડી ખાતે આવેલા બાંધકામ વેસ્ટના નિકાલ માટેના પ્લાન્ટ પર પણ ઠાલવવામાં આવશે, પરંતુ હાલ એવી જરૂર જણાતી નથી એવું અધિકારીઓએ જણાવ્યું હતું. એકંદરે ડિમોલિશન પૂર્ણ થવાથી કામ પૂરું થઈ રહ્યું નથી, સાચી ‘કસરત’ એટલે કે કામગીરી હવે શરૂ થશે અને તેમાં મોટાપાયે મજૂરો સહિતની જરૂરિયાત રહેશે એવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.
કોઠારિયાની ખાણ આસપાસના વિસ્તારને મચ્છરથી મળશે મુક્તિ
અધિકારી સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે કોઠારિયાની ખાણ આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મચ્છરોના ઉપદ્રવ અંગે ફરિયાદો મળી રહી હતી. ખાણમાં એકઠું થતું ગંદુ પાણી તેનો મુખ્ય કારણ માનવામાં આવતું હતું. હવે તંત્ર દ્વારા એકસાથે આટલા મોટા પાયે કાટમાળ ઠાલવવામાં આવી રહ્યો હોવાથી પાણી ભરાવાની સમસ્યામાંથી મોટા ભાગે મુક્તિ મળશે તેમજ જમીન સમથળ થવામાં પણ મદદ મળશે.
