રાજકોટના પ્રધુમન પાર્ક ઝૂની એન્ટ્રી ફી યથાવત: લાયન સફારી પાર્ક તૈયાર થયા પછી ટિકિટ દર નક્કી થશે, સ્ટેન્ડિંગની બેઠકમાં લેવાયો નિર્ણય
દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ જેની મુલાકાત લ્યે છે તે પ્રધુમન પાર્ક ઝૂમાં પ્રાણી, પાંજરા સહિતનો વધારો થઈ રહ્યો છે જેની સામે ટિકિટનો દર વર્ષોથી યથાવત હોય મ્યુનિસિપલ કમિશનર દ્વારા દર વધારવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખી શાસકો નાનો અમથો વિરોધ પણ સહન કરવા માંગતાં ન હોય કલમના એક ઝાટકે ટિકિટનો દર વધારવાની દરખાસ્ત ફગાવી દેવામાં આવી હતી.
સાથે સાથે ઝૂની પૂર્વ દિશાએ તૈયાર થઈ રહેલો લાયન સફારી પાર્ક કે જ્યાં ખુલ્લામાં સિંહને વિહરતા જોઈ શકાશે તેનો ટિકિટનો દર પણ નક્કી કરાયો હતો, પરંતુ હજુ સુધી પાર્ક તૈયાર થયો ન હોય તે તૈયાર થયા બાદ ટિકિટનો દર નક્કી કરવા સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો હતો.
દરખાસ્ત નામંજૂર થતાં પ્રધુમન પાર્કમાં ટિકિટનો દર 10 રૂપિયાથી લઈ 100 રૂપિયા સુધીનો જ રહેશે. જ્યારે લાયન સફારી પાર્ક માટે 3 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિ માટે 100, વિદ્યાર્થી ગ્રુપમાં પ્રતિ વ્યક્તિ 50, લાયન સફારી અને પ્રધુમન પાર્ક ઝૂ બન્નેની સહેલગાહ માટે 130 રૂપિયા સહિતના દર નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ પાર્કને તૈયાર થવા આડે હજુ ચારેક મહિના, મતલબ કે જૂનના અંત સુધીમાં તૈયાર થવાની શક્યતા રહેલી છે, ત્યારે આ પાર્ક બની જાય પછી જ તેની ટિકિટનો દર નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
