આખરે પેડક રોડ ‘ગૌરવપથ’ બનશે: RMCની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દરખાસ્તને મંજૂરી, ગઝેબો, ડેકોરેટીવ બેન્ચીસ,બસ સ્ટેન્ડ સહિતની સુવિધા અપાશે
રાજકોટ મહાપાલિકાના શાસકો દ્વારા 2025-26ના બજેટમાં પેડક રોડને અમદાવાદના સી.જી.રોડ જેવો શણગાર કરી `ગૌરવપથ’ તરીકે વિકસાવવાની યોજના જાહેર કરવામાં આવી હતી. જ્યારે આ યોજના જાહેર થઈ ત્યારે ખર્ચ 24 કરોડ અંદાજવામાં આવ્યો હતો. જો કે એક જ વર્ષમાં આ ખર્ચ 43 કરોડે પહોંચી જવા પામ્યો હોય તે પ્રકારે આખરે પેડક રોડની કાયાપલટ કરવાનું કામ એજન્સીને સોંપવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે, જેના ઉપર આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આને આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
પેડક રોડ પર બાલક હનુમાન ચોકથી શરૂ કરી 2 કિલોમીટરના રસ્તાને ડેવલપ કરવામાં આવશે. રસ્તાની બન્ને બાજુ 5.5થી 6 મીટરના કેરેઝ-વે, 18288 ચોરસમીટરમાં પેવર રોડ, 12600 ચોરસમીટર ફૂટપાથ, 3113 ચોરસમીટર કોબલ્ટ સ્ટોન, વિવિધ પ્રકારના સાઈનેજીસ, ગઝેબો, ડેકોરેટિવ બેન્ચીસ, બસ સ્ટોપ, અન્ડરગ્રાઉન્ડ યુટીલીટી, સ્ટ્રીટ લાઈટ સહિતનું કામ આ રસ્તા ઉપર કરવામાં આવશે.
આ માટે કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં બે એજન્સીએ ભાગ લીધો હતો જેમાં મે. બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા. લિ. ક્વોલિફાય થતાં તેને 23.13% `ઓન’ મતલબ કે અંદાજેલા ખર્ચ કરતાં વધુ પૈસા આપીને કામ આપવાની દરખાસ્ત કરાઈ હતી જે મંજૂર કરવામાં આવી છે.
આ પ્રમાણે અધિકારીઓએ અંદાજેલો રૂા. 37.15 કરોડનો ખર્ચ 23.13% `ઓન’ ચૂકવ્યા બાદ 43.83 કરોડે પહોંચી જશે. એકંદરે શાસકોએ તો આ રસ્તો ડેવલપ કરવા માટે 24 કરોડના ખર્ચનો અંદાજ જ વ્યક્ત કર્યો હતો. જો કે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન રસ્તાના ડેવલપિંગની માપસાઈઝમાં ફેરફાર કરાતાં કામ પણ વધી જવા પામ્યું હોય ખર્ચમાં વધારો થયાનું સૂત્રોએ જણાવ્યું હતું.
