દાહોદમાં બનશે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ: પોરબંદર-ભાવનગરનું એરપોર્ટનું થશે વિસ્તરણ, યાત્રાધામ અંબાજીના વિકાસ માટે 300 કરોડની ફાળવણી
રાજ્યના બજેટમાં પ્રવાસન, યાત્રાધામ અને ઉડ્ડયન વિભાગ માટે 3090 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, દાહોદ ખાતે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા માટે તેમ જ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેના હયાત એરપોર્ટના વિસ્તરણ માટે 95 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટમાં નાના શહેરો અને આંતરિક વિસ્તારોને મોટા શહેરો સાથે હવાઈ માર્ગે જોડવાના ધ્યેય સાથે 78 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના ઉડે દેશ કા આમ નાગરિક (ઉડાન)ના વિઝન અંતર્ગત પ્રાદેશિક એર કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે યાત્રાધામ અંબાજીના વિકાસ માટે 300 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અંબાજી ઉપરાંત ડાકોર, દ્વારકા, માતાનો મઢ, તેમ જ ગીરનાર ખાતે શિવરાત્રીના મેળામાં આવતા યાત્રાળુઓ અને નર્મદા પરિક્રમા પથ ખાતે પદયાત્રીઓની સુવિધા માટે 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજકોટ,જામનગર, જુનાગઢ અને ભાવનગરમાં વિકાસની ગતિને મળશે વેગ
નાણામંત્રીએ બજેટમાં રાજકોટ, જામનગર, જુનાગઢ અને ભાવનગરમાં MICE ( મીટીંગ, ઇન્સેન્ટીવ, કોન્ફરન્સ અને એકઝીબીશન ) માટે 100 કરોડની ફાળવણી કરી છે. શહેરી વિકાસ વિભાગ માટે કુલ 33504 કરોડની જોગવાઈની જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે, અમદાવાદ અને સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 2217 કરોડ, રાજ્યમાં સ્માર્ટ પાર્કિંગ અને ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શહેરી વિસ્તારોને ફાટક મુક્ત બનાવવાના ભાગ રૂપે ઓવર બ્રીજ અને અંડરબ્રીજ બનાવવા માટે 350 કરોડ, પિંક ટોઇલેટ બનાવવા માટે 329 કરોડ, 12 મહાપાલિકામાં ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે 180 કરોડ, દરેક મહાપાલિકામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ઓવર બ્રીજની નીચે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભાર કરવા માટે 150 કરોડ, લોથલ અને અંબાજીમાં સુવિધા વધારવા માટે 147 કરોડ, અમદાવાદના એસ.જી. હાઈવે ને ગ્રીન હાઈ વે તરીકે વિકસાવવા માટે 100 કરોડ, સુગમ્ય ઉદ્યાન યોજના, નમો ગૌરવ પાર્ક અને લીનીયર પાર્ક જેવા ઉદ્યાનો અને લેક વોચ તથા એર વોચ માટે 90 કરોડ, 24 નવા મોડલ ફાયર સ્ટેશન અને સ્ટેટ ફાયર એકેડમી શરુ કરવા માટે 50 કરોડ, નમો સ્વદેશી અર્બન મોલ અને સ્વદેશી મેળા યોજવા માટે 45 કરોડ, ગીફ્ટ સિટીમાં સુવિધાઓ માટે 45 કરોડ તથા પી.એમ.ઈ-બસ યોજના માટે 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
