ગત વર્ષે `લીવેબલ રાજકોટ’નું સૂત્ર આપ્યા બાદ આ વખતે પણ બજેટને રૂપકડું નામ આપવા તૈયારી
નવી યોજના જાહેર કરવાની જગ્યાએ જૂની ઝડપભેર પૂર્ણ થાય તે માટે વધુ નાણાંની જોગવાઈ કરવા પર ભાર
દર વર્ષની જેમ આ વર્ષે મ્યુનિસિપલ કમિશનર ડ્રાફ્ટ બજેટમાં 100 કરોડથી વધુના કરબોજ સુચવશે અને શાસકો ચૂંટણીને ધ્યાનમાં રાખી તેને ફગાવી દેશે
નાણાકીય વર્ષ 2026-27 માટેના મહાપાલિકાના ડ્રાફ્ટ બજેટ જાહેર થવાની તારીખ આખરે નક્કી થઈ ગઈ છે. આવતીકાલે બુધવારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટની જાહેરાત કરવામાં આવશે. જે પ્રકારે બજેટની તૈયારીઓ ચાલી રહી છે તેને જોતાં તે મસાલા' વગરનું એટલે કે રંગીન યોજનાઓ વગરનું રહેવાની પૂરેપૂરી શક્યતા છે. બીજી બાજુ ચૂંટણી નજીક આવી રહી હોય શાસકો આ બજેટનેસ્વાદિષ્ટ’ બનાવી દેશે તે પણ નિશ્ચિત છે.
ગત વર્ષે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટને `લીવેબલ રાજકોટ’નું નામ આપવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષના બજેટને પણ આ જ પ્રકારે આવું કોઈ રૂપકડું નામ આપવામાં આવશે તે પણ નક્કી છે અને અત્યારે નામ પણ નક્કી કરી લેવામાં આવ્યું છે. એકંદરે ડ્રાફ્ટ બજેટ થકી રાજકોટ માટે કોઈ નવી યોજના જાહેર કરવાની જગ્યાએ જૂની યોજનાઓ કે જે એક વર્ષ દરમિયાન કાગળ ઉપર જ રહેવા પામી છે તેને પૂર્ણ કરવા માટે વધુમાં વધુ નાણાંની જોગવાઈ કરવા પર ભાર આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આમ છતાં એકાદ-બે યોજના કે જે લોકોને સીધી રીતે આકર્ષે તેવી જાહેર થઈ શકે છે.
એક વાત તો નિશ્ચિત છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મ્યુનિસિપલ કમિશનર ડ્રાફ્ટ બજેટમાં મિલકત, પાણી, વાહન સહિતના વેરા વધારી 100 કરોડથી વધુનો કરબોજ સુચવશે પરંતુ શાસકો દ્વારા મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ વધારો કલમનો એક ઝાટકે ફગાવી દેશે તે પણ નિશ્ચિત છે. આમ કરીને પ્રજાની કેડે કોઈ ભાર આવવા દીધો નથી તેવું પણ શાસકો બોલી શકશે. જો કે મહાપાલિકાની તિજોરીની જે પ્રકારની ખસ્તા હાલત છે તેને જોતાં વેરાવધારો ફગાવ્યા બાદ આવનારા વર્ષમાં કેવી સ્થિતિ નિર્માણ પામે છે તે પણ જોવું રસપ્રદ બની રહેશે.
ચૂંટણીને ધ્યાનમાં રાખી આ વખતે પ્રજાને કોઈ મોટી ભેટ આપવાની તૈયારીમાં રહેલા શાસકો દ્વારા મિલકતવેરા પર વ્યાજમાફી આપવાનું પણ મન બનાવી લેવામાં આવ્યું છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે બજેટ મંજૂર કરાશે તેમાં આ જાહેરાત કરવામાં આવી શકે છે. એકંદરે કાલે બુધવારે ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરાયા બાદ એક સપ્તાહ સુધી તેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આવતાં ગુરુવારે બજેટને મંજૂરી આપવામાં આવશે.
લોકોની અપેક્ષા પૂર્ણ કરવાના તમામ પ્રયાસ કરી બજેટ તૈયાર કરાયું છેઃ મ્યુ.કમિશનર
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે મહાપાલિકાના બજેટ અંગે લોકોની જે અપેક્ષા રહેલી છે તેને પૂર્ણ કરવાના તમામ પ્રયાસ કરી આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. હાલ આ બજેટને ફાઈનલ ટચ અપાઈ રહ્યો છે તેમાં શહેરની તમામ જરૂરિયાતને ધ્યાન પર લેવામાં આવી છે.
