1358 બાંધકામો જાતે જ સાત દિવસમાં તોડી પાડો! રિવરફ્રન્ટ બનાવવા માટેની રાજકોટ કલેક્ટર તંત્ર હસ્તકની જમીન ખુલ્લી કરાવવાનો માર્ગ મોકળો
સાબરમતિ જેવા રાજકોટમાં આજી રિવરફ્રન્ટના નિર્માણ માટેની એક લાખ ચોરસ મીટરથી વધુ જમીન પર વર્ષોથી ઉભેલા ગેરકાયદે 1358 બાંધકામો હટાવવા માટે કલેકટર તંત્રએ ઓપરેશન ડિમોલિશનની તૈયારીઓ આરંભી દીધી છે. તમામ દબાણકારોને આજે મંગળવારે તમારી જાતે જ સાત દિવસમાં બાંધકામો તોડી પાડોની ડિમોલિશનની ફાઇનલ 202 હેઠળની નોટિસ ડોર ટુ ડોર ઇસ્યુ કરી દેવાઇ છે. હવે અત્યારે સુધી `કંઇક રસ્તો નીકળશે’ની આશામાં રહેલાઓને હવે બાંધકામો તુટશે તેવા અજંપા સાથે મિલ્કતધારકોની ઉંઘ હરામ થઇ છે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે દોડધામમાં પડ્યા છે.
રાજકોટ શહેરના મહાપાલિકાના એરીયામાં સમાવિષ્ટ આજી નદીની કલેકટર તંત્ર હસ્તગતની સરકારી જમીન પર વર્ષો પૂર્વેથી દુકાનો, મકાનો કે આવા ગેરકાયદે બાંધકામો ઉભા છે. આ બાંધકામો દુર થાય તો આજી રિવર ફ્રન્ટનો પ્રોજેક્ટ આગળ ધપેની શક્યતા વચ્ચે કલેકટર તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તાર સહિતના ગેરકાયદે બાંધકામો સંદર્ભે તમામ 1358 દબાણકારોને બાંધકામ કેમ દુર ન કરવા? જમીન માલિકી સંદર્ભેના કોઇ દસ્તાવેજી પુરાવાઓ હોય તો આપવા માટે નોટિસો ઇસ્યુ કરાઇ હતી. પુર્વ મામલતદાર કચેરી ખાતેથી મિલ્કતધારકોને મહેતલ અપાઇ હતી. ત્રણ મુદ્દતમાં માત્ર લાઇટ બિલો, વેરા બિલો જેવા પુરાવા રજૂ થઇ શક્યા હતાં.
આ પણ વાંચો :રાજકોટની કટારિયા ચોકડીએ છ મહિનામાં 30% કામ પૂર્ણ: ડિસેમ્બર-2027 પહેલાં બ્રિજ તૈયાર થશે
હીયરીંગ પુર્ણતા દરમિયાન કોઇએ માલિકીના નક્કર પુરાવા આપ્યા ન હતા. કોર્ટનું શરણું લેવાયુ, પરંતુ અપીલ ટકી ન હતી. કોઇ દસ્તાવેજી પુરાવાઓ કોઇ રજુ ન કરી શકતા આજી રિવર ફ્રન્ટની જમીન ચોખ્ખી કરાવવાનો તંત્ર માટે માર્ગ મોકળો બની ગયો છે. આજે મામલતદાર (પૂર્વ) નિલેષ અજમેરા, સર્કલ ઓફિસર સતીષ સેરસીયાના વડપણ હેઠળ 15 ટીમે સવારે નવ વાગ્યા બાદ જંગલેશ્વર સહિતના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉતરી હતી. બપોરે ત્રણ વાગ્યા સુધીના અરસામાં તમામ દબાણધારકોને સાત દિવસમાં જાતે જ હટાવી દેવા, જમીન પરના પઝેશન (કબજા) છોડી દેવા નહીં તો તંત્ર દ્વારા દબાણકારોને ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરાશે.ફાઇનલ નોટિસ મળતાં અત્યાર સુધી જેઓને ઉંડી આશ હતી કે કંઇક રસ્તો નીકળશે, મિલ્કતો બચી જશે તેમના માટે હવે નવો મુકામ શોધવા અથવા તો સાત દિવસની અંદર પોતાની ઘરવખરી સાથે અન્યત્ર જવુ પડશે નહીં તો તંત્ર જ હટાવશે. તેવી સ્થિતિ ઉદ્ભવી છે. આજે નોટિસ કાર્યવાહી સમયે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પી.આઇ. એમ.એમ.સરવૈયા, પી.એસ.આઇ. ગોહિલ સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મામલતદાર સ્ટાફ ટીમ સાથે રહ્યો હતો. ક્યાંક કોઇક નાની ચડભડ સિવાય કોઇપણ સ્થળે નોટિસને લઇને હોબાળો કે આવુ કાંઇ બન્યું ન હતું. નોટિસ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પુરી થઇ હતી.
રાજકોટ સર્વે નં.256 ટીપી સ્કીમ નં.6ના એફ.પી. 133ની 7556, 136ની 9245, 137ની 3978 તથા 158ની 85021 મળી 105800 ચોરસમીટર જમીન ઉપર 1358 દબાણો ઉભા હતા તે હવે જો કાનુની કોઇ ગુંચ ઉભી ન થાય તો તોડી પડાશે તેવું દેખાઇ રહ્યું છે. આજે નોટિસ સમયે દબાણકારોમાં એવો પણ ગણગણાટ હતો કે કોંગ્રેસે દેખાવો કર્યા પણ આજે ન દેખાયા.
