રાજકોટની કટારિયા ચોકડીએ છ મહિનામાં 30% કામ પૂર્ણ: ડિસેમ્બર-2027 પહેલાં બ્રિજ તૈયાર થશે
રાજકોટવાસીઓ જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે તે કટારિયા ચોકડીએ નિર્માણ પામનારા ગુજરાતના સૌપ્રથમ થ્રી-લેયર આઈકોનિક ફ્લાયર ઓવરબ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 167.25 કરોડના ખર્ચે બનનારા આ બ્રિજનું ખાતમુહૂર્ત 26 માર્ચ-2025ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પરંતુ નિર્માણકાર્ય છ મહિના પહેલાં એટલે કે જૂલાઈ માસથી શરૂ કરાયું છે ત્યારે છ મહિનાની અંદર અન્ડર-ઓવરબ્રિજનું કામ 30% પૂર્ણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા 30 મહિના એટલે કે ડિસેમ્બર-2027 છે પરંતુ તેના પહેલાં જ તૈયાર કરી લેવાના લક્ષ્યાંક સાથે કામગીરી ચાલી રહી છે. આ અંગે વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું કે ચાર મહિના બાદ અન્ડરબ્રિજ તૈયાર થઈ જશે. જ્યારે છ મહિનાની અંદર તમામ પીલરનું કામ પૂર્ણ કરી લેવાયું છે અને ગર્ડરનું કામ હાલ ચાલી રહ્યું છે. ત્યારબાદ પાયલોન કે જેને કેબલ ફિટિંગ માટેનો સપોર્ટ કહેવામાં આવે છે તેનું ટેસ્ટીંગ 20 દિવસમાં પૂર્ણ કરી તેનું કામ પણ શરૂ કરી દેવાશે.
આ પણ વાંચો :ભારત-EU કરારથી ગુજરાત સહિત 12 રાજ્યોને મોટો લાભ: રાજકોટમાં એન્જિનિયરિંગ,સુરતમાં ટેક્સટાઇલ-જ્વેલરી, વડોદરામાં રસાયણો ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોને અવકાશ
હાલ દૈનિક 230 લોકો દ્વારા બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. રિટેઈનિંગ વોલ, એપ્રોચ રિટેઈનિંગ વોલ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વળી, ટૂંક સમયમાં પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ (પીએમયુ) પણ કાર્યરત થઈ જનાર હોવાને લીધે બ્રિજની કામગીરીમાં ઝડપ આવશે. થોડા સમય પહેલાં સિમેન્ટની સપ્લાયને લઈને મુશ્કેલી સર્જાઈ હતી જે હાલ દૂર થયાનું પણ તેમણે ઉમેર્યું હતું.
