ભારત-EU કરારથી ગુજરાત સહિત 12 રાજ્યોને મોટો લાભ: રાજકોટમાં એન્જિનિયરિંગ,સુરતમાં ટેક્સટાઇલ-જ્વેલરી, વડોદરામાં રસાયણો ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોને અવકાશ
ભારત અને ઈયુ વચ્ચે થયેલા ઐતિહાસિક કરારથી માત્ર પરંપરાગત ક્ષેત્રો જ નહીં, પરંતુ એન્જિનિયરિંગ ગુડ્સ, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસ જેવા હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોને પણ ફાયદો થવાની અપેક્ષા છે. આનાથી ભારતની મૂલ્યવર્ધિત નિકાસમાં વધારો થશે અને કંપનીઓ યુરોપિયન સપ્લાય ચેઇનનો ભાગ બની શકશે. ગુજરાત સહિત દેશના 12 રાજ્યના નિકાસકારોને મોટો ફાયદો થશે અને એમને નવી બજાર મળશે. દેશની નિકાસમાં 6.4 લાખ કરોડનો વધારો થવાની આશા છે.
સરકારના જણાવ્યા મુજબ, આ FTA દેશના ઓછામાં ઓછા 12 રાજ્યોને ફાયદો કરશે. માંગ વધવાની અપેક્ષા છે, ખાસ કરીને તે રાજ્યોમાં જ્યાં MSME ક્લસ્ટર, ટેક્સટાઇલ બેલ્ટ, ચામડાના હબ, મરીન એક્સપોર્ટ ઝોન અને ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ કોરિડોર સ્થિત છે.
આ પણ વાંચો :ફાયર વિભાગના નિયમનો ભંગ થતો હશે તો ઈમ્પેક્ટ ફી ભરીને પણ દબાણ કાયદેસર નહીં થાય: રાજકોટમાં હવે પહેલાં ટાઉન પ્લાનિંગ વિભાગ બાંધકામનું નિરીક્ષણ કરશે
ગુજરાતમાં નિકાસકારો અને ઇન્ડસ્ટ્રીને ઘણો લાભ મળી શકે છે. સુરતમાં ટેક્સટાઇલ અને જ્વેલરી, ભરૂચ-વડોદરામાં રસાયણો, રાજકોટમાં એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ અને વેરાવળમાં મરીન ઉત્પાદનો માટે વધુ અવકાશ ઊભો થઈ શકે છે અને ઉત્પાદન વધવા સાથે રોજગાર પણ વધશે તેમ મનાય છે.
એ જ રીતે મહારાષ્ટ્રમાં કાપડ, ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ ગુડ્સમાં ઓર્ડર વધશે. પુણેમાં ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ નિકાસ, મુંબઈમાં રત્નો અને ઘરેણાં અને થાણે-રાયગઢમાં ફાર્મા નિકાસ વધશે તેવી આશા છે. આ ઉપરાંત તામિલનાડુ, બંગાળ, આસામ, કેરળ, આંધ્ર પ્રદેશ, પંજાબ, તેલંગણા અને રાજસ્થાન તથા યુપી રાજ્યોને પણ લાભ મળી શકે છે.
