Ajit Pawar Plane Crash: વિમાન દુર્ઘટના પહેલા મહારાષ્ટ્રના DyCM અજિત પવારની છેલ્લી પોસ્ટ,જાણો કોને યાદ કર્યા?
મહારાષ્ટ્રથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું હતું. આ અકસ્માતમાં અન્ય 4 લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી વિમાનમાં સવાર હતા, જે લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. અજિત પવાર ખાનગી ચાર્ટર્ડ વિમાનમાં બારામતી જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા. સમાચાર એજન્સી પીટીઆઈએ અજિત પવારના મૃત્યુની પુષ્ટિ કરી છે.
ચાર્ટર્ડ વિમાન બારામતી એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે ક્રેશ થયું હોવાના અહેવાલ છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે અજિત પવાર પુણે જિલ્લામાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણી સંબંધિત કાર્યક્રમો માટે બારામતી જઈ રહ્યા હતા.
અજીત પવારની છેલ્લી પોસ્ટ
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં અજિત પવારને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતની થોડી મિનિટો પહેલા, અજિત પવારે સોશિયલ મીડિયા પર મહાન સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર યાદ કરતી એક પોસ્ટ શેર કરી હતી.

‘પંજાબ કેસરી’ લાલા લજપત રાયની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ
મહાન સ્વાતંત્ર્ય સેનાની, સ્વરાજ્યના પ્રચારક, ‘પંજાબ કેસરી’ લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ, જેમણે રાષ્ટ્રની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું. તેમની દેશભક્તિ આપણને પ્રેરણા આપે છે.
અજિતે બુધવારે (28 જાન્યુઆરી) સવારે 8:57 વાગ્યે X પર આ પોસ્ટ કરી. તેમણે લખ્યું, “દેશની આઝાદી માટે સર્વસ્વનું બલિદાન આપનારા મહાન સ્વતંત્રતા સેનાની, સ્વરાજ્યના પ્રચારક, ‘પંજાબ કેસરી’ લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ! તેમની દેશભક્તિ હંમેશા આપણને પ્રેરણા આપશે.”
આ પણ વાંચો :Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આખેઆખું વિમાન સળગી ગયું, સામે આવ્યો વિડીયો
વિમાન બળીને રાખ થઈ ગયું
રનવે પર ઉતરતી વખતે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ વિમાન બળીને રાખ થઈ ગયું. વિમાનમાં સવાર કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ પુષ્ટિ આપી છે કે અજિત પવાર પણ તેમાં હતા. જોકે, વિમાન દુર્ઘટના શા માટે થઈ અને તેની પાછળનું કારણ શું હતું તે અંગે હજુ સુધી પ્રારંભિક માહિતી બહાર આવી નથી.
