રાજકોટનો 23મો કોમ્યુનિટી હોલ શેઠ હાઈસ્કૂલ પાસે બનશે: 80 ફૂટ રોડ ઉપર AC હોલ બનાવવા ટેન્ડર પ્રસિદ્ધ: રૂ.17.20 કરોડ ખર્ચાશે
રાજકોટમાં લગ્ન સહિતના પ્રસંગો માટે લોકોને સસ્તા ભાવે કોમ્યુનિટી હોલની સુવિધા મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ વોર્ડમાં 22 કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે અને તેમાં નોંધપાત્ર બુકિંગ પણ મળી રહ્યું છે ત્યારે આવનારા એકાદ-દોઢ વર્ષમાં શહેરીજનોને 23મા કોમ્યુનિટી હોલની સુવિધા મળતી થઈ જશે. મહાપાલિકા દ્વારા વોર્ડ નં.14માં 17.20 કરોડના ખર્ચે એ.સી. કોમ્યુનિટી હોલ બનાવવાનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે વોર્ડ નં.14માં વર્ષોથી રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ કાર્યરત છે ત્યારે હવે આ જ વોર્ડમાં બીજો કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. આ હોલ 80 ફૂટ રોડ પર શેઠ હાઈસ્કૂલ નજીક બનશે. 17.20 કરોડના ખર્ચે બનનારા આ હોલ સંપૂર્ણપણે એ.સી. હશે અને તેમાં પાર્કિંગ પ્લસ ચાર માળની સુવિધા મળશે.
આ પણ વાંચો :જાહેરાત કર્યાના 346 દિવસ વીતી ગયા છતાં રાજકોટના અટલ સરોવર પર 42 દુકાન ભાડે ન અપાઈ: મોંઘા ભાવની ખાણી-પીણીની વસ્તુ ખરીદવા લોકો મજબૂર
આ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા બાદ ટૂંક સમયમાં એજન્સી ટેન્ડર ભરપાઈ કરે અને ભાવ સહિતનું મંજૂર થાય એટલે દરખાસ્ત તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવશે. કમિટી દ્વારા બહાલી મળ્યે વર્કઓર્ડર આપવામાં આવશે જે બાદ હોલ બનાવવાનું કામ શરૂ થઈ જનાર હોવાનું બાંધકામ શાખા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
