જાહેરાત કર્યાના 346 દિવસ વીતી ગયા છતાં રાજકોટના અટલ સરોવર પર 42 દુકાન ભાડે ન અપાઈ: મોંઘા ભાવની ખાણી-પીણીની વસ્તુ ખરીદવા લોકો મજબૂર
રાજકોટ મહાપાલિકા દ્વારા રાજકોટના લોકોને ફરવા માટે એક ઉત્તમ સ્થળ મળી રહે તે માટે રૈયા સ્માર્ટ સિટીમાં અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 1 મે-2024થી ખુલ્લા મુકાયેલા અટલ સરોવરમાં આજ દિવસ સુધીમાં 14 લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે આમ છતાં અહીં તંત્ર દ્વારા ફૂડ કોર્ટની સુવિધા સહિતના હેતુ માટે બનાવાયેલી દુકાન શરૂ થઈ શકી ન હોવાથી લોકોએ અટલ સરોવરની અંદર તેમજ બહાર ઉભા રહેતા રેંકડી-કાર્ટસંચાલકો પાસેથી મોઢે માંગ્યે ભાવે ખાણીપીણીની વસ્તુ ખરીદવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. બીજી બાજુ ગત વર્ષે 11 ફેબ્રુઆરી-2025ના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પણ 42 દુકાનને ભાડાપટ્ટે અપાશે તેવી જાહેરાત કર્યાના 346 દિવસ પસાર થઈ ગયા છતાં હજુ સુધી દુકાન શરૂ ન થયાની વરવી વાસ્તવિક્તા પણ સામે આવી છે.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે અટલ સરોવર ખાતે 16 દુકાનો ધરાવતી ઓપન ફૂડ કોર્ટ, 12 દુકાનો સાથેની ક્લોઝડ ફૂડ કોર્ટ તેમજ ગ્રામહટ સહિતના હેતુ માટેની 42 દુકાન બનાવવામાં આવી છે. આ દુકાનો કેવી રીતે ભાડે આપવી, તંત્રને કેવી રીતે વધુ આવક થઈ શકે તે સહિતના નિયમ તૈયાર કરીને એસ્ટેટ શાખા દ્વારા ગત વર્ષે ઓગસ્ટમાં જ ફાઈલ સોંપી દેવામાં આવી હતી પરંતુ ઈચ્છાધારી અધિકારીઓ દ્વારા આ ફાઈલ ઉપર ધ્યાન જ કેન્દ્રીત કરવામાં ન આવતાં હાલ અટલ સરોવર ખાતે લોકો મોંઘા ભાવની ખાણીપીણીની વસ્તુ ખરીદવા માટે મજબૂર બન્યા છે.
આ પણ વાંચો :રસોઈ કરતી વેળાએ તેલ ઢોળાઇ જતાં પતિએ આપેલો ઠપકો માઠો લાગતા પત્નીનો આપઘાત: પડધરીના ખાખરાબેલા ગામની ઘટના
આ પહેલાં એવી વિગત પણ બહાર આવી હતી કે અટલ સરોવરનું સંચાલન કરવાની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તે એજન્સી દ્વારા જ કમિશન મેળવીને અટલ સરોવરના પ્રાંગણમાં જ વિવિધ પ્રકારની વાનગીઓનું વેચાણ કરતી રેંકડીઓને ઉભા રહેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પર્દાફાશ થયા બાદ થોડો સમય રેંકડીઓને અંદર ઉભા રહેવા દેવામાં આવી ન્હોતી પરંતુ સમય પસાર થતાં જ ફરી રેંકડીઓ અંદર ઉભી રહેવા લાગી હોવાનું મુલાકાત લેનારા લોકો જણાવી રહ્યા છે. હવે અધિકારીઓ અને પદાધિકારીઓ ઝડપથી આ 42 દુકાનોને ભાડા પટ્ટે આપી લોકોને વ્યાજબી ભાવે ખાનપાનની વસ્તુ મળી રહે તેવી વ્યવસ્થા શરૂ કરાવે તો મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે તેમ છે.
દુકાનો ભાડે આપવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરાશેઃ ડે.કમિશનર
આ અંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણીનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે 42 દુકાનોને ભાડા પટ્ટે આપવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રક્રિયા આડે કોઈ અવરોધ ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
