રાજકોટ: મિલકતનું એક પણ વેરા બિલ ન મળ્યું હોય તેવા બાકીદારે માત્ર મુદ્દલ જ ભરવી પડશે,જાણો કઈ મિલકતને નહીં મળે વ્યાજમુક્તિનો લાભ?
નવું નાણાકીય વર્ષ 2026-27 શરૂ થવા આડે હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે 425 કરોડ રૂપિયાના વેરા વસૂલાતના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે રાજકોટ મહાપાલિકા તંત્ર કોઈને કોઈ રસ્તો કાઢવામાં વ્યસ્ત જોવા મળી રહ્યું છે. રીઢા બાકીદારોની મિલકત સીલ કરવામાં આવી રહી છે સાથે સાથે દૈનિક લાખો રૂપિયાનો વેરો પણ ઉઘરાવાઈ રહ્યો છે આમ છતાં લક્ષ્યાંક હાંસલ કરવા માટે સીલિંગથી જ કામ પૂર્ણ થઈ શકે તેમ ન હોવાથી હવે વધુ એક `સ્કીમ’ જાહેર કરવામાં આવી છે જે પ્રમાણે કોઈ મિલકતધારકને તેની મિલકતનું અત્યાર સુધીમાં એક પણ વેરા બિલ ન મળ્યું હોય તેવા બાકીદાર જો વેરો ભરપાઈ કરવા તૈયાર હોય તો તેણે વેરાની રકમ ભરપાઈ કરવાની રહેશે અને તેના પાસેથી કોઈ પ્રકારનું વ્યાજ વસૂલવામાં આવશે નહીં.
આ અંગે વેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા 2011થી કાર્પેટ એરિયા પ્રમાણે મિલકત વેરાની આકારણી શરૂ કરવામાં આવી હતી. જો કે આકારણી કરવાનું કામ જે એજન્સીને સોંપવામાં આવ્યું હતું તેણે બેદરકારી દાખવતાં અનેક મિલકતો જેમાં ખાસ કરીને બંધ હોય તેવી મિલકતને આકારણીમાંથી બાકાત રાખી દીધી હોવાથી આવી મિલકતના ધારકને એવો ડર સતાવી રહ્યો છે કે જો હવે તે આકારણી કરાવ્યા બાદ મિલકતવેરા બિલ કઢાવશે તો વેરાની સાથે તોતિંગ વ્યાજ પણ ભરવું પડશે. આ જ કારણથી તે વેરાબિલ કઢાવી રહ્યા ન હોય તંત્રએ વચલો રસ્તો કાઢતાં આકારણી ન થઈ હોય અને વેરા બિલ ન મળતું હોય તેવી મિલકતને વ્યાજમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો :સસ્તું ભાડું અને રાજકોટની પરાબજારની યાત્રા: જ્યુબિલી ચોકમાં દુકાનનું ભાડું માત્ર 3 રૂપિયા! ગેલેક્સી સિનેમા સામેની દુકાનોનું ભાડું 400થી 800 રૂપિયા
એકંદરે મિલકતધારક હવે વેરા બિલ કઢાવવા માટે તેના વિસ્તારમાં આવતી વોર્ડ ઓફિસ પર જઈને વેરા બિલ માટે અરજી કરી શકશે.
કઈ મિલકતને વ્યાજમુક્તિનો લાભ નહીં મળે ?
તંત્ર દ્વારા એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે અગાઉ વેરા વિભાગમાં મિલકતની એન્ટ્રી થઈ હોય પરંતુ કાર્પેટ એરિયા મુજબ માપણી ન થઈ હોવાથી વેરા બિલ ન મળતું હોય તેવી મિલકતને વ્યાજમુક્તિનો લાભ મળશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો આવી મિલકતને જૂની એન્ટ્રીમાં ગણવામાં આવશે.
