લો બોલો! હત્યારી અને હત્યારો પડ્યા પ્રેમમાં: લગ્ન માટે મળ્યા 15 દિવસના પેરોલ,ઓપન જેલમાં લિવ-ઇન રિલેશનથી રહેતા હતા
હત્યાની અલગ અલગ ઘટનાઓમાં દોષિત ઠરીને રાજસ્થાની ઓપન એર જેલમાં કેદ ભોગવતી એક મહિલા અને એક યુવાનને `પ્રેમ લગ્ન’ કરવા માટે 15 દિવસના પેરોલ આપવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે પીડિતોના પરિવારજનોમાં ઘેરો રોષ ફેલાયો છે.
દેશભરમાં ચકચાર જગાવનારા એ હત્યા કેસોમાં બન્ને આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. પેરોલ મેળવનાર મહિલા 31 વર્ષીય પ્રિયા સેઠ 2023ના ચર્ચિત `જયપુર ટિન્ડર-સૂટકેસ મર્ડર’ કેસમાં દોષિત ઠરી છે. જ્યારે પુરુષ 29 વર્ષીય હનુમાન પ્રસાદને 2017માં અલવર જિલ્લામાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા થઈ હતી.બાદમાં જેલમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને ઓપન એર જેલમાં તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. આ દરમિયાન બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
રાજસ્થાન હાઇકોર્ટના નિર્દેશો બાદ જિલ્લા પેરોલ એડવાઈઝરી કમિટીએ બંનેની પેરોલ અરજી મંજૂર કરી હતી. બંનેને બુધવારથી 15 દિવસના પેરોલ પર જેલ બહાર આવવાની મંજૂરી આપવામાં આવી છે. લગ્ન પ્રસંગ હનુમાન પ્રસાદના વતન બરોડામેઓ (અલવર જિલ્લો) ખાતે યોજાવાનો છે.
આ પણ વાંચો :રાયપુરમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની શાનદાર જીત: સૂર્યકુમાર યાદવની કેપ્ટન ઇનિંગ,તોફાની બેટિંગ કર્યા બાદ ઇશાન કિશન થયો ઈમોશનલ
આ નિર્ણય સામે પીડિત પરિવારોએ વાંધો ઉઠાવ્યો છે. દુષ્યંત શર્મા હત્યા કેસમાં પીડિત પરિવારના વકીલે જણાવ્યું કે પેરોલ આપવાની માહિતી તેમને અગાઉ આપવામાં આવી નહોતી અને હવે તેઓ આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારશે.
આ હત્યાઓએ હાહાકાર મચાવી દીધો હતો
ટિન્ડર-સૂટકેસ મર્ડર કેસઃ પ્રિયા સેઠે ડેટિંગ એપ ટિન્ડર મારફતે 28 વર્ષીય વેપારી દુષ્યંત શર્મા સાથે મિત્રતા કરી હતી. બાદમાં તેને ભાડાના મકાનમાં બોલાવી ખંડણી માટે બંધક બનાવ્યો હતો. પરિવાર પાસેથી રૂપિયા ન મળતા તેણે દુષ્યંતની ચાકૂ ઘા મારીને હત્યા કરી હતી. બાદમાં મૃતદેહના ટુકડા કરી સૂટકેસમાં ભરવામાં આવ્યા હતા. આ ઘટનાવદેશભરમાં હલચલ મચાવી દીધો હતો.
અલવર પરિવાર હત્યાકાંડઃ હનુમાન પ્રસાદે તેની પરિણીત પ્રેમિકા સાથે મળીને તેના પતિ, ત્રણ પુત્રો અને એક ભત્રીજાની નિર્દય હત્યા કરી હતી. મૃતકની પત્ની સાથેના ગેરસંબંધને કારણે 2017માં આ સામૂહિક હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડને રાજ્યના સૌથી ક્રૂર ગુનાઓમાં સ્થાન મળ્યું છે.
