રાજકોટનું અટલ સરોવર બન્યું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર: અત્યાર સુધીમાં 14 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત, મનોરંજન અને આધુનિક સુવિધાઓનો ખજાનો
છેલ્લા અઢી દાયકામાં ગુજરાતે શહેરીકરણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં માળખાગત સુવિધાઓ અને નાગરિક સેવાઓનું સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિકસેલું અટલ સરોવર તેનું ઉત્તમ ઉદાહરણ છે.

અટલ સરોવરનું માર્ચ 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 1 મે 2024ના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આ સરોવર જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આજ દિન સુધીમાં 14 લાખથી વધુ લોકો અટલ સરોવરની મુલાકાત લઈ ચૂક્યા છે. અટલ સરોવરની ખાસિયત એ છે કે, તેને આધુનિક મનોરંજન અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે.

અટલ સરોવર ખાતે આવતા મુલાકાતીઓ માટે બગીચો, ખાસ કરીને બાળ ઉદ્યાન, ફેરિસ વ્હીલ, બોટિંગ સુવિધા અને ટૉય ટ્રેન જેવા આકર્ષણો છે. નાગરિકો માટે ચાલવાનો ટ્રેક, સાઇકલ ટ્રેક અને 600 ફોર-વ્હીલર અને 1000 ટૂ-વ્હીલર માટે સોલર પેનલ યુક્ત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, બે એમ્ફીથિયેટર, પ્રવેશ પ્લાઝા, પાર્ટી પ્લોટ, 16 દુકાનો ધરાવતું ઓપન ફૂડ કોર્ટ, 12 દુકાનો સાથેનું ક્લોઝ્ડ ફૂડ કોર્ટ અને RMC-માલિકીના ગ્રામહાટ અંતર્ગત 42 દુકાનો વિકસાવવામાં આવી છે, જે રેવન્યુ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, એક વિશાળ ધ્વજસ્તંભ, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને અન્ય સુવિધાઓ અટલ સરોવરને રાજકોટ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં એક મુખ્ય આકર્ષણ બનાવશે.

રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 930 એકરના ગ્રીનફિલ્ડ વિસ્તારમાં ત્રણ તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ વરસાદી પાણીના સંગ્રહ માટે સ્ટોર્મવૉટર નેટવર્ક દ્વારા જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. તેમાંથી અટલ સરોવર (લેક-1)ને 75 એકર વિસ્તારમાં ‘રિડ્યુસ, રિયૂઝ અને રિસાઇકલ’ના 3R સિદ્ધાંતો પર વિકસિત કરવામાં આવ્યું છે. અટલ સરોવર અંતર્ગત 25 એકરમાં 477 મિલિયન લિટર પાણી સંગ્રહ ક્ષમતા ઊભી કરવામાં આવી છે, જ્યારે બાકીના 50 એકરમાં લૅન્ડસ્કેપ (હરિત ક્ષેત્ર), મનોરંજન અને જાહેર સુવિધાઓ છે.

આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹136 કરોડ છે, જેમાં 15 વર્ષ સુધી સંચાલન અને જાળવણીનો સમાવેશ થાય છે. ચોમાસાની સીઝનમાં સરોવરમાં વરસાદી પાણીનો કુદરતી રીતે સંગ્રહ થાય છે, જ્યારે ઉનાળા દરમિયાન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ TTP માંથી રિસાઇકલ પાણી પૂરું પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં અટલ સરોવર થકી પહેલી વખત કોઈ પ્રોજેક્ટના વિકાસમાં 3R સિદ્ધાંતોનો અમલ કરવામાં આવ્યો છે.
