પ્રયોશા જવેલર્સમાંથી 2 લાખથી વધુની ખરીદી કરનારાને નોટિસ ફટકારાશે: પ્રથમ વખત રાજકોટમાં જવેલરી સેકટર નિશાને
રાજકોટમાં ઈન્કમટેક્સ વિભાગે જવેલરી સેકટરમાં કડક કાર્યવાહી શરૂ કરતાં ઝવેરીઓ અને ગ્રાહક વર્ગમાં હલચલ મચી ગઈ છે. શહેરનાં કોટેચા ચોક ખાતે આવેલ પ્રયોશા જવેલર્સ તેમજ પેલેસ રોડ પર આવેલા તેના શોરૂમમાં ઈન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન એન્ડ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન યુનિટ (I & CI) દ્વારા સર્વે હાથ ધરાયો હતો. બુધવાર બપોરે શરૂ થયેલી આ તપાસ ગુરુવાર વહેલી સવાર સુધી ચાલી હતી.
આ કાર્યવાહી દરમિયાન ઈન્કમટેક્સ વિભાગે પ્રયોશા જવેલર્સના ચોપડા તપાસી 2 લાખ રૂપિયાથી વધુની જવેલરી ખરીદી કરનાર અને રિટર્નમાં જેમને બતાવ્યું નથી ગ્રાહકોની વિસ્તૃત યાદી તૈયાર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યાદીમાં એવા ગ્રાહકોનો સમાવેશ થાય છે જેમની મોટી રકમની ખરીદી અંગે ઈન્કમટેક્સ વિભાગને જરૂરી માહિતી આપવામાં આવી નહોતી. નિયમ મુજબ 2,00,000 રૂપિયા કે તેથી વધુની જવેલરી ખરીદી થાય ત્યારે જવેલર્સ દ્વારા આઈ.ટી. વિભાગને રિપોર્ટ કરવો ફરજિયાત હોય છે, જેને ફાઇનાન્સ ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે પરંતુ પ્રયોશા જવેલર્સ દ્વારા આ પ્રક્રિયામાં ચૂક થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ઈન્કમટેક્સ વિભાગે માત્ર બિલોની તપાસ જ નહીં પરંતુ રોકડમાં ખરીદી કરી આવકવેરા રિટર્નમાં માહિતી છુપાવનારાઓનો પણ અલગ ડેટા તૈયાર કર્યો છે. આ યાદીના આધારે ટૂંક સમયમાં સંબંધિત વ્યક્તિઓને નોટિસ ઈસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી છે.
આ પણ વાંચો :રાજકોટમાં ગેરકાયદે બાંધકામ સામે ટાઉન પ્લાનિંગ શાખા બુઠ્ઠી: સીલ તૂટે તો કંઇ જ ન કરી શકે!
રાજ્યમાં પ્રથમ વખત જવેલર્સ પર આ પ્રકારની કાર્યવાહી કરવામા આવી છે. જેના માટે ઇન્વેસ્ટીગેશન એન્ડ ક્રિમીનલ ઇન્વેસ્ટીગેશન યુનિક અમદાવાદના ડાયરેકટર અખિલેન્દ્ર પ્રતાપ યાદવના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે I & CI યુનિટ તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે અને અગાઉ રાજકોટની સબરજીસ્ટર કચેરીમાં દરોડા પાડી દસ્તાવેજો જપ્ત કર્યા હતા. રાજકોટ જ નહીં પરંતુ દેશભરમાં પ્રથમ વખત આ યુનિટ દ્વારા જવેલર્સ સેકટરમાં સીધી કાર્યવાહી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
