રાજકોટમાં ગેરકાયદે બાંધકામ સામે ટાઉન પ્લાનિંગ શાખા બુઠ્ઠી: સીલ તૂટે તો કંઇ જ ન કરી શકે!
રાજકોટનો એવો એક પણ વોર્ડ નહીં હોય જ્યાં નાના-મોટા ગેરકાયદેસર બાંધકામનો માચડો ખડકાયેલો ન હોય. આવા બાંધકામને અટકાવવા તેમજ તોડી પાડવાની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની ટાઉન પ્લાનિંગ શાખાની ઈચ્છાશક્તિ જ ન હોય તે પ્રકારે કામ કરવામાં આવી રહ્યું હોય દબાણકારોની હિંમત વધી રહી છે. બીજી બાજુ ટાઉન પ્લાનિંગ શાખાની `ધાર’ ગેરકાયદે બાંધકામ સામે બિલકુલ બુઠ્ઠી હોય તે પ્રકારે જો કોઈ મિલકતને ગેરકાયદે બાંધકામને કારણે સીલ કરવામાં આવી હોય અને તંત્રનો ડર રાખ્યા વગર તે મિલકતના માલિક દ્વારા સીલ તોડી નાખવામાં આવે તો પણ તંત્ર કંઈ જ કરી શકે તેમ ન હોવાનો ખુલાસો સત્તાવાર રીતે અપાયેલા જવાબ પરથી મળી રહ્યો છે.
ટાઉન પ્લાનિંગ ઓફિસસર આર.ડી.પરમારના જણાવ્યા પ્રમાણે એક વર્ષમાં 17 સહિત પાંચ વર્ષની અંદર કુલ 24 મિલકત કે જેણે ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાને કારણે સીલ કરવામાં આવી હતી. આ પૈકી વોર્ડ નં.1માં એક મિલકતધારક સીલિંગના વિરુદ્ધમાં કોર્ટમાં ગયા હતા જ્યારે વોર્ડ નં.6માં બે મિલકતધારકે સીલ સામે હાઈકોર્ટનો સ્ટે મેળવ્યો હોવાનું તો વોર્ડ નં.8માં એક મિલકતધારકની મિલકતનું સીલ હાઈકોર્ટના હુકમ બાદ ખોલી અપાયું હતું. આ જ રીતે વોર્ડ નં.11માં એક મિલકતધારકે ગેરકાયદેસર દબાણ તોડી પાડતાં સીલ ખોલવામાં આવ્યું હતું. જ્યારે 2025માં વોર્ડ નં.15માં એક મિલકતનું સીલ તેના માલિકે પોતાની રીતે જ તોડી પાડતાં તંત્ર દ્વારા તેને ફરી સીલ કરવામાં આવી હતી. જ્યારે અન્ય મિલકતના સીલ હાલ યથાવત હોવાનો જવાબ આપવામાં આવ્યો છે. જો કોઈ મિલકતધારક પોતાની રીતે જ સીલ તોડી વધારાનું બાંધકામ ચાલુ કરી દે તો તેના વિરુદ્ધ જીપીએમસી એક્ટ-1949 તેમજ સીજીડીસીઆર-2017ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાની સત્તા ટાઉન પ્લાનિંગ શાખાને મળેલી છે.
આ પણ વાંચો :‘1 કરોડ આપો તો જ છૂટાછેડા થશે…’ રાજકોટમાં ‘માથાભારે’ વહુનો સાસરિયાના ઘર પર પથ્થરમારો,જાણો શું છે સમગ્ર મામલો
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સીલ તોડી નખાયું છતાં ફરીથી જ સીલ મારીને સંતોષ માની લેવામાં આવી રહ્યો હોવાને કારણે દબાણકર્તાઓમાં કોઈ ખૌફ રહ્યો નથી. જો તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવે તો જ ગેરકાયદે બાંધકામ પર લાગેલા સીલ તોડતાં પહેલાં દબાણકર્તાઓ સો વખત વિચાર કરશે અન્યથા સીલ તોડ્યું, સીલ લગાવ્યું જેવી `રમત’ જ રમાયે રાખશે !
