માતાને કહ્યું, મારાથી ગોળી છૂટીને પત્નીને વાગી છે, હોસ્પિટલે જવું પડશે…શક્તિસિંહ ગોહિલના ભત્રીજાને 108ના સ્ટાફે પત્નીનું મૃત્યુ થયાનું કહેતા જ પોતે પણ ગોળી ધરબી
અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં ગત મોડીરાત્રે કરૂણ ઘટના ઘટી હતી. ટાવર બી બ્લોકમાં પાંચમા મજલે ફ્લેટમાં રહેતા સાંસદ શક્તિસિંહ ગોહિલના સગ્ગા ભત્રીજા મેરિટાઈમ બોર્ડના ક્લાસ-વન ઓફિસર યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ (ઉ.વ.33) અને પત્ની રાજેશ્વરીબાના યશરાજસિંહની રિવોલ્વરમાંથી ગોળી વછૂટતા મૃત્યુ નિપજ્યું હતું. યશરાજસિંહના હાથે વછૂટેલી ગોળી પત્ની રાજેશ્વરીબાના માથામાં પાછળના ભાગે લાગી હતી અને લોહિયાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. પત્નીનું મૃત્યુ થયાના પગલે યશરાજસિંહે પોતે પણ માથા પર કાનના પાછળના ભાગે ગોળી ધરબી આપઘાત કરી લીધો હતો.
બન્નેના લોહીથી લથબથ દેહ રૂમમાં જ ઢળી પડ્યા હતા. બનાવના પગલે શક્તિસિંહ તેમજ પરિવારને સાંત્વના આપવા સિવિલ હોસ્પિટલે ભાજપ-કોંગ્રેસના નેતાઓ તેમજ અગ્રણીઓ દોડી આવ્યા હતા. એકના એક યુવાન પુત્ર અને પુત્રવધૂના મોતથી ગોહિલ પરિવારમાં કાળો કલ્પાંત થઈ પડ્યો છે. મૃતદેહને અંતિમ વિધિ માટે વતન ભાવનગરના લીમડા (હનુભા) ખાતે લઈ જવાયા હતા. લીમડા ગામ ઉપરાંત આસપાસના ગ્રામજનો તથા ક્ષત્રિય સમાજમાં ભારે શોક છવાયો છે.
યશરાજસિંહ પત્ની રાજેશ્વરીબા તથા તેમના વિધવા માતા સાથે રહેતા હતા. ગઇકાલે બુધવારે દંપતી યુવતીના ફૈબાને ત્યાંથી જમીને પરત ફર્યા હતા. માતાને રૂમમાં મળીને પોતાના બેડરૂમમાં ગયા હતા ત્યાં યશરાજસિંહના હાથે પોતાની પરવાનાવાળી રિવોલ્વરમાંથી
ફાયરિંગ થતાં ગોળી સીધી પત્ની રાજેશ્વરીબાના માથામાં લાગી હતી. પત્નીને ગોળી વાગતા જ લોહીયાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તુરંત જ યશરાજસિંહ દોડીને માતાના રૂમમાં ગયા અને બનાવની માતાને જાણ કરતા માતા-પુત્ર તુરંત જ રૂમમાં દોડી આવ્યા હતા.
આ પણ વાંચો :વર્ષમાં 5 વખત ટ્રાફિકના નિયમ તોડશો તો ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ: કેન્દ્ર સરકારે મોટર વાહન નિયમોમાં કર્યા ફેરફાર
108ને જાણ કરતાં સ્ટાફ એમ્બ્યુલન્સ સાથે તુરંત જ ફ્લેટ પર પહોંચ્યો હતો. તબીબે જોઈ તપાસી રાજેશ્વરીબાને મૃત જાહેર કરતાં જ યશરાજસિંહે રૂમમાં પોતાના હાથે માથા પર ગોળી ધરબી દીધી હતી અને ત્યાં જ લોહીથી લથબથ થઈને પટકાયા હતા. બનાવના પગલે તુરંત જ વસ્ત્રાપુર પોલીસ મથકનો સ્ટાફ ડીસીપી હર્ષદ પટેલ, એસીપી બ્રહ્મભટ્ટ સહિતના દોડી આવ્યા હતા. એફએસએલ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈ મૃતદેહને ફોરેન્સિક પીએમમાટે હોસ્પિટલે ખસેડ્યા હતા. ઘટનાના પગલે મોડીરાત્રે જ તેમજ સવારે બન્નને પક્ષના રાજકીય નેતાઓ પણ પહોંચ્યા હતા. વધુ વિગત મુજબ શક્તિસિંહના મોટાભાઈ દુર્ગેશસિંહનું લાંબા અરસા પહેલાં બિમારીના કારણે મૃત્યુ થયું હતું. દુર્ગેશસિંહને સંતાનમાં પુત્ર યશરાજસિંહ તથા એક પુત્રીમાં એકના એક પુત્રના મૃત્યુથી માતા તેમજ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. વસ્ત્રાપુર પોલીસે સમગ્ર ઘટનામાં કાયદાકિય કાર્યવાહી હાથ ધરી છે.
યશરાજસિંહના બીજા લગ્ન હતા. તેઓ ક્લાસ-2 ઓફિસર હતા અને થોડા સમય પહેલાં જ ક્લાસ-1 ઓફિસર તરીકે પ્રમોશન મળ્યું હતું. મેરિટાઈમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. બે માસ પૂર્વે જ લગ્ન થયા અને દંપતીના મૃત્યુથી બે-બે પરિવાર ઉપરાંત સમગ્ર ક્ષત્રિય સમાજમાં પણ ભારે આઘાત ફેલાયો છે.
108ના સ્ટાફે મૃત્યુ થયાનું કહેતા જ યશરાજસિંહે પણ ગોળી ધરબી લીધી
પત્નીને ગોળી વાગતા યશરાજસિંહે પોતે જ તુરંત 108 એમ્બ્યુલન્સને મદદ માટે જાણ કરી હતી. તબીબ તથા સ્ટાફે એનઆરઆઈ ટાવરમાં બનાવ સ્થળે ફ્લેટ પર પહોંચ્યો હતો. બેશુધ્ધ હાલતમાં પડેલા રાજેશ્વરીબાને તપાસી મૃત્યુજાહેર કર્યા. પત્નીનું મૃત્યુ થયાની જાણ થતાં જ 108નો સ્ટાફ હાજર હતો અને યશરાજસિંહ રૂમમાં ગયા અને પોતાની જાતે જ માથા પર ગોળી ધરબી લીધી હતી. ફાયરિંગનો અવાજ થતાં 108નો સ્ટાફ તુરંત જ દોડ્યો હતો. જો કે ગંભીર રીતે ઘાયલ યશરાજસિંહનો જીવ બચી શક્યો ન હતો.
માતાને કહ્યું, મારાથી ગોળી છૂટીને પત્નીને વાગી છે, હોસ્પિટલે જવું પડશે…
યશરાજસિંહથી બેડરૂમમાં પત્નીને પોતાના હાથે જ રિવોલ્વરમાંથી ગોળી વાગતા તે બાજુના રૂમમાં સુતેલા માતા પાસે દોડી ગયા હતા અને માતાને જગાડીને કહ્યું કે, મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી પત્નીને વાગી છે, આપણે હોસ્પિટલે લઈ જવા પડશે. બન્ને રૂમમાં ગયા, થોડીવારમાં જ 108નો સ્ટાફ પણ પહોંચી ગયો. તેમણે મૃત જાહેર કરતાં જ અને માતા હોસ્પિટલે જવા કપડાં બદલાવવા જતાં યશરાજસિંહે પણ જીવ દઈ દીધો હતો. ફાયરિંગનો અવાજ થતાં જ 108નો સ્ટાફ અને યશરાજસિંહના માતા રૂમમાં દોડી આવ્યા હતા જ્યાં ક્ષણવારમાં જ યશરાજસિંહે દમ તોડી દીધો હતો. દંપતીના બે માસ પૂર્વે લગ્ન થયા હતા. બે દિવસ પહેલાં જ બન્ને માનતા હોવાથી બીજના દિવસે સોલામાં રણુજા મંદિરે દર્શને ગયા હતા. દંપતી આગામી માસે વિદેશ ફરવા જવાનું હતું. એ માટે યશજરાસિંહ દ્વારા વિઝા માટે થતી જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી હતી.
