જસદણના પારેવાડા ગામે પિતાએ 5 વર્ષના પુત્રનું ગળું દબાવી કરી હત્યા: બનાવને આપઘાતમાં ખપાવવા મૃતદેહને દોરી વડે લટકાવી દીધો
જસદણ તાલુકાના પારેવાડા ગામે માનવતા અને પિતા-પુત્રના સંબંધને શર્મસાર કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાશણ હૃદયના પિતાએ પોતાની પત્ની સાથે ચાલતાં મનદુખનો બદલો લેવા અને તેને જેલના સળિયા પાછળ ધકેલવાના પોતાના જ પાંચ વર્ષના વ્હાલસોયા પુત્રની નિર્મમ હત્યા કરી નાખી છે. શરૂઆતમાં આરોપીએ પતિના લીધે પુત્રએ આત્મહત્યા કરી હોવાનું તરખટ રચી પુત્રની હત્યા કર્યા બાદ તેને ઘરે પંખામાં દોરી વડે લટકાવી દઈ પોતે જ હોસ્પિટલે લઈ જઈ મગરના આંસુ વહાવ્યા હતા. જોકે પોલીસની કડક પૂછપરછમાં પોતે જ પત્નીને હત્યામાં સપડાવવા પુત્રની હત્યા કરી હોવાનું ખુલતા જ ગુનો નોંધાયો છે.
આ અંગેની વિગતો મુજબ, પારેવાડા ગામે રહેતા વિજય ભલા વાળા અને તેની પત્ની કાજલબેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડા ચાલતા હતા. વિજય અવારનવાર નશાની હાલતમાં પત્ની સાથે મારકૂટ કરી ત્રાસ આપતો હતો. બે દિવસ પહેલા જ ઉગ્ર ઝઘડો થતા કાજલબેન તેમના પુત્ર અજયને લઈ આટકોટ પોતાના સગાને ત્યાં ચાલ્યા ગયા હતા, જ્યારે 5 વર્ષનો પુત્ર ઉમેશ પિતા પાસે ઘરે જ હતો. બુધવારે રાત્રે માસૂમ ઉમેશ શંકાસ્પદ હાલતમાં બેભાન મળી આવતા તેને જસદણ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા જ ભાડલા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો.
બનાવ અંગે જાણ થતાં કાજલબેન હોસ્પિટલે દોડી આવ્યા હતા અહીં તેણી પતિ વિજય સામે આક્ષેપો કર્યા હતા કે, બે દિવસ પૂર્વે થયેલા ઝઘડા બાદ તે પોતાના સગાને ત્યાં બને પુત્ર અજય અને ઉમેશને લઈને જઈ રહી હતી ત્યારે મોટા પુત્ર ઉમેશને પતિ વિજયે છીનવી લીધો હતો અને ધમકી આપી હતી કે, “હું આ છોકરાને મારી નાખીશ અને આ કેસમાં તને ફિટ કરાવી દઈશ.” કાજલબેનના આક્ષેપો અંગે ભાડલા પીઆઇ કેતન પરમાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
આ પણ વાંચો :ખોડલધામમાં નારી શક્તિને પ્રાધાન્ય: પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલ બન્યા ખોડલધામ સંગઠનના પ્રથમ પ્રમુખ
પોલીસે મૃતકના પિતાને સકંજામાં લઈને પૂછપરછ શરૂ કરતાં પ્રથમતો તેણે મૃતક પુત્ર ઉપર માતા ત્રાસ આપતી હોય જેથી તેણે આપઘાત કરી લીધો હોવાનું રટણ કર્યું હતું. જોકે નાનો બાળક આપઘાત જેવું પગલું ભરે તે વાત ગળે ન ઉતરતા પોલીસે કડક પૂછપરછ આદરતા આરોપી પિતા ભાંગી પડ્યો અને જણાવ્યું હતું કે, “પત્નીને પુત્રની હત્યાના કેસમાં ફિટ કરવા પોતે જ પાંચ વર્ષના માસમુને ગળાટૂપો દઈ મારી નાખ્યો હતો જે બાદ ઘરે દોરી વડે લટકાવી દીધો.”
જે બાદ આરોપી પુત્રને જસદણ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ ગયો હતો. ઘટના અંગે પોલીસે પોલીસે મૃતક બાળકનું રાજકોટ ફોરેન્સિક પીએમ કરાવી આરોપી નરાધમ પિતા સામે વધુ તપાસ હાથ ધરી છે.
