240 કરોડના બીટ કોઇન કાંડમાં અમરેલીના પૂર્વ ધારાસભ્યના ભત્રીજા સહિત બે લોકો 5 દિવસના રિમાન્ડ પર
રાજ્યભરમાં રાજકીયથી લઇ પોલીસ બેડા સુધીમાં બહુ ગાજેલા અને પૂર્વ ધારાસભ્યથી એસ.પી. કક્ષા સુધીના વ્યક્તિઓ આરોપી બન્યા હતા એવા 240 કરોડના બીટ કોઇન, ક્રિપ્ટો કરન્સી કાંડ ફરી ધણધણ્યુ છે. હવે સુત્રધાર સમા આરોપી શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ તથા અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાના પરિવારના સદસ્ય સંજય કોટડીયાની ઇ.ડી. (ઇન્ફોર્સમેન્ટ ડિરોકટોરેટ) દ્વારા ધરપકડ કરાઇ છે. બંને ઇસમોના કરોડોના કૌભાંડમાં વધુ તપાસ અર્થે ઇ.ડી. દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મેળવાયા છે.
બંને શખસોની ઇ.ડી.એ ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય કનેકશન, નાણાંકીય સ્ત્રોત તેમજ અન્ય કોઇ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ? સહિતના મુદ્દે બંનેને ઇડીની સ્પેશિયલ કોર્ટમાં રજુ આરીને 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. બંને પક્ષે દલીલો બાદ બંનેને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.
આ પણ વાંચો :છીછોરાપન: રાજકોટમાં છેડતી કરનારા લફંગાઓની સંખ્યામાં વધારો, સુરત-અમદાવાદમાં પણ રોડ રોમિયો વધ્યા,વડોદરામાં ઘટ્યા
બંને શખસોની મની લોન્ડરીંગ નેટવર્ક સહિતની ભૂમિકાઓ ચકાસવા તજવીજ હાથ ધરાશે. સાત વર્ષ પૂર્વે 2018માં બીટ કોઇન કાંડ ખુલ્યું હતું. નાણાં કઢાવવા વડોદરાના શૈલેષ ભટ્ટે ફાઇનાન્સ કંપનીના માલિકનું અપહરણ કર્યુ હતું. ખુદ પોલીસ આ ગુનામાં સંડોવાયેલી હતી. અમરેલીના તત્કાલીન એસ.પી. જગદીશ પટેલ, પી.આઇ. અનંત પટેલ તેમજ અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા સહિતના માથાઓના નામ ખુલ્યા હતાં. સીઆડિ ક્રાઇમે તપાસ દરમિયાન વકિલ સહિત 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.
કેસ ચાલી જતા નલીન કોટડીયા સહિતનાને સજા પડી હતી. જેમાં થોડા સમય પૂર્વે કોટડીયાને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતાં. 240 કરોડથી વધુના કાંડમાં ઇ.ડી.ની તપાસમાં કેટલાક વધુની ધરપકડ તોળાય કે નામ ખુલે તેવી પણ ચર્ચા ઉઠી છે.
