છીછોરાપન: રાજકોટમાં છેડતી કરનારા લફંગાઓની સંખ્યામાં વધારો, સુરત-અમદાવાદમાં પણ રોડ રોમિયો વધ્યા,વડોદરામાં ઘટ્યા
સ્કુલ-કોલેજમાં જતી છોકરીઓની છેડતી કરવી રોડ રોમિયો પ્રકારના લોકો માટે સામાન્ય થઇ ગયું છે અને આવી ઘટનાઓમાં વધારો થતો જાય છે. આવી ઘટના બને ત્યારે અથવા બનવાનો ડર હોય ત્યારે જાગૃત છોકરીઓ 181 નંબરવાળી અભયમ નામની સરકારી સેવાનો લાભ લ્યે છે પરંતુ ઘણા ખરા કિસ્સામાં છોકરીઓ આવી માથાકુટમાં પડવાનું ઈચ્છતી નથી. આમ છતાં અભયમ સેવા અવિરતપણે ચાલુ છે. તાજેતરમાં 2025ના જે આંકડા આવ્યા તે જોતા રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં છેડતીની ઘટનાઓ વધી છે જયારે વડોદરામાં ઘટી છે.
અભયમ 181 હેલ્પલાઇનના અધિકારીઓ કહે છે કે શૈક્ષણિક સંસ્થાઓ જેવી `સુરક્ષિત જગ્યાઓ’ પરથી પણ હેરાનગતિના અહેવાલો મળી રહ્યા છે. 18 વર્ષની એક વિદ્યાર્થીનીએ તાજેતરમાં ફરિયાદ આપી હતી કે તેની શૈક્ષણિક સંસ્થામાં કેન્ટીનમાં કામ કરતા એક વ્યક્તિએ ભોજન પછી હાથ ધોતી વખતે તેની અંગત જગ્યા પર સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેણીને શારીરિક અને મૌખિક રીતે હેરાન કરી હતી. હેલ્પલાઇન ડેટા સૂચવે છે કે આ એક વ્યાપક પેટર્નનો ભાગ છે. અભયમના અધિકારીઓએ જણાવ્યું હતું કે 2025 માં તેમને ઈવ-ટીઝિંગ સંબંધિત 2,398 અને પીછો કરવા સંબંધિત 2,307 કોલ મળ્યા હતા. બે વર્ષમાં, જે ઈવ-ટીિંઝગ ડિસ્ટ્રેસ કોલમાં 15% નો વધારો દર્શાવે છે તેમાં અમદાવાદ, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :રાજકોટમાં વેપારના નામે ‘ચીટિંગ’: સ્ટીલ-એરંડાની વેચાણ-ખરીદીમાં બે વેપારીએ 94 લાખ ગુમાવ્યા
અમદાવાદમાં 2023-24 ની સરખામણીમાં 2025માં આવી ઘટનામાં 40% નો વધારો નોંધાયો હતો, જ્યારે સુરત અને રાજકોટમાં અનુક્રમે 30% અને 38% નો વધારો જોવા મળ્યો હતો. જોકે, વડોદરામાં આ જ સમયગાળા દરમિયાન 5% નો ઘટાડો નોંધાયો હતો. અભયમ હેલ્પલાઈનના સુત્રોએ જણાવ્યું હતું કે 2025માં અમદાવાદમાં વિવિધ પ્રકારની ફરિયાદો જોવા મળી છે.”એક તરફ 12 વર્ષની છોકરીની છેડતી થઈ હતી જ્યારે બીજી તરફ ચાલીસના દાયકાની એક મહિલા દ્વારા એક યુવકને વારંવાર ઠપકો આપવા છતાં ફોલો કરવા બદલ ફરિયાદ કરવામાં આવી હતી.”
આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે અભયમ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. પોલીસ તંત્રએ 112 હેલ્પલાઈન શરૂ કર્યા પછી ફોનકોલ્સમાં પણ વધારો થયો છે.
2025 માં અભયમ કોલનું વ્યાપક વિશ્લેષણ દર્શાવે છે કે લગભગ 46% ઘરેલુ હિંસા, 15% દુર્વ્યવહાર અથવા પજવણી, 12% ચોક્કસ કેસની માહિતી મેળવવા અને 5% લગ્નેત્તર સંબંધો સાથે સંબંધિત હતા. 2025માં કુલ કોલ વોલ્યુમ વાર્ષિક ધોરણે 9% ઘટીને 1.97 લાખ થયું હતું, જેને અધિકારીઓએ 112 હેલ્પલાઇનની રજૂઆત સાથે જોડ્યું હતું.
