રાજકોટમાં વેપારના નામે ‘ચીટિંગ’: સ્ટીલ-એરંડાની વેચાણ-ખરીદીમાં બે વેપારીએ 94 લાખ ગુમાવ્યા
છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેર-જિલ્લામાં વેપારીઓ સાથે વેપારના નામે ચીટિંગ થયાના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે જેમાં વધુ બેનો ઉમેરો થવા પામ્યો છે. બન્ને વેપારીએ સ્ટિલ-એરંડાની વેચાણ-ખરીદીના નામે 94 લાખ ગુમાવવા પડ્યાનો વખત આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ગોંડલના લીલાખા ગામે રહેતા અને કોલીથડથી ગોંડલ રોડ ઉપર દાળિયા ગામ નજીક આલ્ફા ઓટોમેશન નામની કંપની ધરાવતા અંકિત અશોકભાઈ ઢોલરિયાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેની કંપની ફોર્જિંગ અને મશીનિંગ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. ચારેક મહિના પહેલાં તેમની ઓફિસ ઉપર રાજકોટના વાવડી રોડ ઉપર તુલીપ પાર્ટી પ્લોટ પાછળ ગૌશાળાવાળી શેરીમાં ઓફિસ ધરાવતા ઋષિકેશ પંકજભાઈ મહેતા તેમજ તેનીસાથે દિલીપ નામની વ્યક્તિ આવી હતી અને તેમણે એલબો અને ટી નામના સામાનનો વેપાર કરવો હોય ભાવતાલ કર્યા હતા. આ પછી ઋષિકેશે શરૂઆતમાં 2,42,136નો સામાન ખરીદ કર્યો હતો અને બે મહિનામાં તેણે 26.08 લાખના સામાનની ખરીદ કરી 12 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
આ પણ વાંચો :રોહિત-કોહલી-બુમરાહ-જાડેજાને લાગશે મોટો ઝટકો: BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે, અનેકના પગારમાં કરોડોનો ઘટાડો શક્ય
ઋષિકેશ ઉપર ભરોસો બેસી જતાં અંકિતે તેને કુલ 65,96,884નો સામાન મોકલી દીધો હતો જે મળી ગયા બાદ ઋષિકેશ દ્વારા પૈસા ચૂકવવામાં આવી રહ્યા ન હોય ઉઘરાણી કરતાં તેણે ગલ્લા તલ્લા કરી છેલ્લે ફોન ઉપાડવાનું જ બંધ કરી દેતા અંકિતે 13 જાન્યુઆરીએ ઋષિકેશની ઓફિસ પર જઈ તપાસ કરતા ત્યાં તાળા લટકેલા હતા અને આ ઓફિસ ભાડાની હોય તેના માલિકે કહ્યું હતુંકે ઋષિકેશ 1 જાન્યુઆરીએ જ ઓફિસ ખાલી કરીને ચાલ્યો ગયો છે !
જ્યારે ઉપલેટા પોલીસ મથકમાં વિનોદભાઈ નાથાભાઈ ઘેટિયા નામના 69 વર્ષીય વૃદ્ધે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ઉપલેટા માર્કેટ યાર્ડમાં પૂજા ટ્રેડર્સ નામે દુકાન ધરાવે છે. બે વર્ષ પહેલાં 15 ફેબ્રુઆરી-2024ના તેમણે માર્કેટ યાર્ડમાં ભગવતી ટ્રેડર્સના વહીવટકર્તા ભાવિન ગોવિંદભાઈ ડઢાણીયા પાસેથી 2800 મણ એરંડા ખરીદ કર્યા હતા જે 15 દિવસમાં પહોંચાડી દેવાની ખાતરી ભાવિને આપી હતી. એરંડાની ખરીદી પેટે ભાવિનને એડવાન્સમાં 29 લાખ ચૂકવી દીધા છતાં હજુ સુધી એરંડા કે પરત રકમ ચૂકવી ન હોય આખરે ફરિયાદ નોંધાવી હતી.
