ન્યૂઝીલેન્ડ સામે હારનો હિસાબ ચૂકતે કરવા ઉતરશે ટીમ ઇન્ડિયા: હાર્દિક, બુમરાહની વાપસીઃ સાંજે 7.00 વાગ્યાથી મુકાબલો શરૂ
ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરમાં જ રમાયેલી ત્રણ મેચની વન-ડે શ્રેણી હારી ગયા બાદ આજે બુધવારથી પાંચ મેચની ટી-20 શ્રેણી રમવા મેદાને ઉતરશે. ટીમ ઈન્ડિયાનો લક્ષ્યાંક વન-ડે શ્રેણીમાં મળેલી હારનો હિસાબ ચૂકતે કરવાનો રહેશે. ભારતની વન-ડે અને ટી-20 ટીમમાં મોટાપાયે ફેરફાર પણ જોવા મળશે. શુભમન ગીલની જગ્યાએ સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે.
એકંદરે વન-ડે ફોર્મેટ રમનારા દસ ખેલાડી ભારતીય ટી-20નો હિસ્સો નથી. આ મેચ આજે સાંજે 7 વાગ્યાથી નાગપુરમાં રમાશે.ટી-20 શ્રેણીમાં કોહલી, રોહિત, જાડેજા ઉપરાંત ગિલ, રાહુલ, પંત, સિરાજ, કૃષ્ણા, રેડ્ડી અને યશસ્વી જયસ્વાલ રમતા જોવા મળશે નહીં. ટીમમાં વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા અને તેના જોડીદાર સંજૂ સેમસન ઉપરાંત ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, અક્ષર પટેલ, રિન્કુ સિંહ, જસપ્રીત બુમરાહ સહિતના સામેલ છે.
આ પણ વાંચો :હેડ કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળમાં 17 શરમજનક રેકોર્ડ: 5 અણઘડ નિર્ણયથી ટીમ ઇન્ડિયા અંધકારમય, 6 નિર્ણયની ભરપૂર ટીકા
ઈશાન કિશન, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી પણ આ ફોર્મેટમાં રમશે જેઓ વન-ડે ટૂર્નામેન્ટ રમ્યા ન્હોતા. શ્રેયસ અય્યરને વન-ડે બાદ ટી-20 શ્રેણીમાં પણ સામેલ કરાયો છે, કેમ કે તિલક વર્મા ઈજાગ્રસ્ત થયો છે. આ ઉપરાંત હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવને જાળવી રાખવામાં આવ્યા છે. આ ચારેય ખેલાડી વન-ડે શ્રેણીની ટીમમાં સામેલ હતા.
ન્યૂઝીલેન્ડ સામેની T-20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજૂ સેમસન, શ્રેયસ અય્યર (પ્રથમ ત્રણ ટી-20 મેચ), હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, અક્ષર પટેલ, રિન્કુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ઈશાન કિશન અને રવિ બિશ્ચોઈ.
