ઓછી વિઝિબિલિટી હશે તો પણ રાજકોટથી ફલાઈટ ટેકઓફ થઈ શકશે: હીરાસર એરપોર્ટ પર 22મી જાન્યુ.થી LVPનો થશે અમલ
રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી ઉડાન ભરતી ફ્લાઇટ્સને હવે ઓછી વિઝીબિલિટીની અસર ન પડે તે માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આગામી 22 જાન્યુઆરીથી હીરાસર એરપોર્ટ પર લો વિઝિબિલિટી પ્રોસીડયુરેસ (LVP) સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે. આ સિસ્ટમ લાગુ થતાં હવે 350 મીટર જેટલી ઓછી રન-વે વિઝ્યુઅલ રેન્જ (RVR) હોવા છતાં વિમાન ટેકઓફ કરી શકશે. હાલમાં હીરાસર એરપોર્ટ પર ટેકઓફ માટે ઓછામાં ઓછું 550 મીટર વિઝીબિલિટી જરૂરી હતી.

શિયાળાની ઋતુ દરમિયાન હીરાસર વિસ્તારમાં પડતા ધુમ્મસને કારણે અનેક વખત ફ્લાઇટ્સના ડિપાર્ચરમાં વિલંબ થતો રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારની ફ્લાઇટ્સને લાંબો સમય રાહ જોવી પડતી હતી, જેના કારણે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડતો હતો. રાજકોટના જુના એરપોર્ટ પર ફોગની અસર તેટલી ગંભીર ન હોવાથી ત્યાં ફ્લાઇટ ઓપરેશન સામાન્ય રીતે સરળતાથી ચાલતું હતું, પરંતુ હીરાસર એરપોર્ટની ભૂગોળીય પરિસ્થિતિને કારણે ધુમ્મસ વધુ અસરકારક બનતું હોવાનું જાણવા મળ્યું છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC), એરલાઇન્સ, એરપોર્ટ મેનેજમેન્ટ, સિક્યુરિટી તથા ટેક્નિકલ ટીમના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન LVP સિસ્ટમના અમલીકરણ, દરેક એજન્સીની ભૂમિકા અને જવાબદારી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો :માતાની જુબાની અને લોહીના નિશાન બન્યા મજબૂત પુરાવાઃ પુત્રની હ*ત્યા કરનાર પિતાને આજીવન કેદ,જાણો શું છે મામલો
LVP સિસ્ટમ લાગુ થયા બાદ ધુમ્મસ અને ઓછી વિઝીબિલિટીમાં પણ ફ્લાઇટ ઓપરેશન વધુ સુરક્ષિત અને
નિયમિત બનશે. પરિણામે ફ્લાઇટ ડિલેમાં ઘટાડો થશે અને મુસાફરોને વધુ સુવિધા મળશે. હીરાસર એરપોર્ટના વિકાસની દિશામાં આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, જે રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારની હવાઈ કનેક્ટિવિટી માટે લાભદાયી સાબિત થશે.
