રાજકોટ મહાપાલિકામાં સફાઇ કામદારને ‘પ્રમોશન’ મળતાં જ ‘લાંચ’ લેવાનું શરૂ કરી દીધું! પહેલાં ઓનલાઇન પછી રોકડમાં લેતો’તો લાંચ
રાજકોટ મહાપાલિકામાં લાંચનું દૂષણ ડામવામાં અધિકારીઓ સદંતર નિષ્ફળ નિવડ્યા હોય તે પ્રકારે ભ્રષ્ટાચાર અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. શહેરને ચોખ્ખું-ચણાંક રાખવાની જવાબદારી જેમના ખભા પર છે તે સફાઈ કામદારો પાસેથી લાંચ ઉઘરાવવામાં આવી રહ્યાની ફરિયાદ મળતાં જ એસીબીએ છટકું ગોઠવીને સફાઈ કામદારમાંથી `પ્રમોશન’ મેળવી સેનેટરી સબ ઈન્સ્પેક્ટર બનેલા લાંચિયા કર્મચારીને રંગેહાથે દબોચી લીધો હતો.
એસીબીના મદદનીશ નિયામક જે.ડી.મેવાડાના માર્ગદર્શન હેઠળ રાજકોટ એસીબી પીઆઈ આર.આર.સોલંકી સહિતની ટીમે અટિકા ફાટક પાસે આવેલી મહાપાલિકાની વોર્ડ નં.17(બ) ઓફિસમાંથી સેનેટરી સબ ઈન્સ્પેક્ટર જીતેન્દ્ર રમેશભાઈ ગડિયલને સફાઈ કામદાર પાસેથી એક હજાર રૂપિયાની લાંચ લેતાં પકડવામાં આવ્યો હતો. સફાઈ કામદાર ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેની ઓક્ટોબર-નવેમ્બર 2025ની રજા સરભર કરવાના બદલામાં જીતેન્દ્ર ગડિયલે બે હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
બે હજાર પૈકી એક હજાર રૂપિયા તેને શનિવારે ચૂકવી દીધા હતા જ્યારે બાકીના એક હજાર રૂપિયા સોમવારે ચૂકવવાના હતા. જો કે આ રકમ ફરિયાદી આપવા માંગતાં ન હોય તેણે એસીબીનો સંપર્ક કરતાં જ છટકું ગોઠવી જીતેન્દ્રને એક હજારની લાંચ લેતો પકડી લેવામાં આવ્યો હતો. બીજી બાજુ સફાઈ કામદારો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ પ્રમાણે જીતેન્દ્રને દોઢ વર્ષ પહેલાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટરનું પ્રમોશન મળ્યું હતું. પ્રમોશન બાદ તે ઉપરોક્ત વોર્ડ નં.17(બ) ઓફિસે જ નોકરી કરતો હતો. તેણે 4 જૂન-2024થી 3 મે-2025 સુધીમાં સફાઈ કામદારો પાસેથી 300થી લઈ 3000 રૂપિયા સુધીની ઓનલાઈન લાંચ લીધી હતી !
જીતેન્દ્રની લાંચ લેવાની મોડેસ ઓપરેન્ડી શોધવા મહાપાલિકા તંત્ર ધંધે લાગ્યું !
આ અંગે ઈન્ચાર્જ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે મહાપાલિકામાં દરેક સફાઈ કામદારની હાજરી ફેસ ડિટેક્શન મતલબ કે ચહેરો બતાવ્યા બાદ જ પૂરવામાં આવે છે. આ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે એટલા માટે રજા સરભર કરવાનો કોઈ સવાલ રહેતો જ નથી. જે કર્મચારીએ મશીનમાં ચહેરો ન બતાવ્યો હોય તેની ગેરહાજરી જ પૂરાતી હોય જીતેન્દ્ર દ્વારા તેની રજા કઈ રીતે સરભર કરવામાં આવતી હશે તે જાણવા માટે હાલ તપાસ ચાલી રહી છે. અગાઉ જ્યારે જીતેન્દ્ર વિરુદ્ધ પગાર સ્લીપ ન આપી રહ્યાની ફરિયાદ મળી ત્યારે તેને રૂબરૂ બોલાવીને ઠપકો પણ આપવામાં આવ્યો હતો અને દરેક કામદારને સ્લીપ પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો :પહેલાં બજેટની જૂની યોજના પૂરી કરો પછી નવીની વાત કરજો! RMCનું 2026-27નું બજેટ તૈયાર થાય તે પૂર્વે જ અધિકારીઓને ખખડાવ્યા
પહેલાં ઓનલાઇન પછી રોકડમાં કટકટાવવાનું શરૂ કર્યું
એવી વિગત પણ સામે આવી હતી કે જીતેન્દ્ર ગડિયલે થોડા સમય સુધી ઓનલાઈન લાંચ લીધી હતી. જો કે આ પ્રકારે લાંચ લેવામાં તે ફસાઈ જશે અને તેના વિરુદ્ધ પૂરાવા ઉભા થઈ શકે તેવું પામી જતાં તેણે રોકડમાં પૈસા લેવાનું શરૂ કર્યું હતું. હવે એસીબી દ્વારા જીતેન્દ્ર ગડિયલને રિમાન્ડ પર લઈ તેની મિલકત સહિતની તપાસ કરવામાં આવશે.
કોંગ્રેસ નેતા મનિષાબાનો દાવો, જીતેન્દ્ર વિરુદ્ધ કાર્યવાહી ન કરાવવા પારસ નામના વ્યક્તિએ ભલામણ કરી હતી !
જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ મનિષાબા વાળાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જીતેન્દ્ર ગડિયલ વિરુદ્ધ વારંવાર ફરિયાદ મળતાં તેમણે જીતેન્દ્રનો સંપર્ક કરી આ પ્રકારે પૈસા ન લેવા ભારપૂર્વક કહ્યું હતું. જો કે જીતેન્દ્રને ફોન કરાયાના થોડા જ સમય બાદ પારસ નામની વ્યક્તિએ આ મુદ્દે કોઈ કાર્યવાહી ન કરવા કે કરાવવા મનિષાબાને ભલામણ કરી હતી ત્યારે પારસ નામની આ વ્યક્તિ કોણ હશે તેની તપાસ થવી પણ જરૂરી છે.
