પહેલાં બજેટની જૂની યોજના પૂરી કરો પછી નવીની વાત કરજો! RMCનું 2026-27નું બજેટ તૈયાર થાય તે પૂર્વે જ અધિકારીઓને ખખડાવ્યા
રાજકોટ મહાપાલિકાનું 2026-27ના બજેટની તૈયારીઓના ધમધમાટ વચ્ચે સોમવારે સાંજે સેન્ટ્રલ ઝોન કચેરીમાં મ્યુનિસિપલ કમિશનર, મેયર, શહેર ભાજપ પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમજ ઈજનેરો વચ્ચે બજેટલક્ષી બેઠક મળી હતી. બે કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં મ્યુ.કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતનાએ પાછલા વર્ષના બજેટની અનેક યોજનાઓ પૂર્ણ થઈ શકી ન હોય અધિકારીઓને રીતસરના ખખડાવી નાખતાં `જૂના બજેટની યોજનાઓ પૂરી કર્યા બાદ જ નવા બજેટની વાત કરજો’ તેવું સંભળાવી દેતાં બેઠકમાં સોપો પડી ગયો હતો.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મ્યુ.કમિશનર તેમજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ગત વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી બાવન જેટલી યોજનાઓ કાં તો હજુ શરૂ જ થઈ શકી નથી અથવા તો તેના કોઈ ઠેકાણા નથી ત્યારે આ મુદ્દો બેઠકમાં અગ્રસ્થાને રહ્યો હતો. ચેરમેન સહિતના પદાધિકારીઓ દ્વારા બેઠકમાં હાજર ઈજનેરોને સ્પષ્ટ પૂછવામાં આવ્યું હતું કે એક વર્ષ વીતી જવા આવ્યું છતાં અત્યાર સુધી યોજના પૂર્ણ કેમ નથી થઈ કે શરૂ જ કેમ નથી થઈ ? અમુક યોજનાને બાદ કરતા અધિકારીઓ દ્વારા આપવા પાસે જવાબ પણ ન હોવાનું બેઠકમાં હાજર લોકોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :રાજકોટની સોની બજાર-સામા કાંઠે ‘ચાંદી’એ ચમક છીનવી: દરરોજ 3000 કિલો દાગીનાનું મેન્યુફેક્ચરિંગ 500 કિલોએ પહોંચી ગયું
ખાસ કરીને બેઠકમાં ભારપૂર્વક આદેશ આપવામાં આવ્યો હતો કે નવા બજેટની ચર્ચા કરતાં પહેલાં જૂના બજેટની યોજનાઓનું કામ પૂર્ણ કર્યા બાદ જ નવા બજેટની યોજનાઓ લઈને આવજો. એકંદરે નવું બજેટ જાહેર થાય તે પહેલાં બાકી રહેલી યોજનાનું કમ સે કમ ટેન્ડર તો પ્રસિદ્ધ કરી જ દેવું તેવો હુકમ પણ કરાયો હતો. જો કે અમુક યોજના જેમાં કેન્સરની વેક્સિન વિનામૂલ્યે આપવી, મેમોગ્રાફી મશીન મુકવું, સ્માર્ટ સિટીમાં હોર્ડિંગ ઉભા કરી આવક રળવા સહિતની યોજનાઓમાં અવરોધ આવી રહ્યાનો જવાબ અપાતાં તેને ગ્રાહ્ય પણ રાખવામાં આવ્યા હતા.
