ભાજપમાં આજથી ‘નવીન’યુગનો પ્રારંભ: ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા, આજે નીતિન નવીનનું પદગ્રહણ
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે સોમવારે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. હવે ભાજપમાં નવીન યુગ શરૂ થયું છે. ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નવીન માટે કુલ 37 ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા. આ નામાંકન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વતી દાખલ કરવામાં આવ્યા હતા. સંસદીય પક્ષના નામાંકન પત્ર પર પ્રસ્તાવક તરીકે વડાપ્રધાન મોદીની સહી છે. સંસદીય પક્ષ વતી, નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી અને રાજનાથ સિંહ જેવા અગ્રણી પક્ષના નેતાઓએ દરેક ઉમેદવારી પત્ર પર સહી કરી હતી. નામાંકન પાછું ખેંચવાની અંતિમ તારીખ સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે હતી પણ કોઈ બીજું નામાંકન થયું નહતું અને આમ નવીન નિર્વિરોધ ચૂંટાયાની આજે જાહેરાત થશે. આજે તેઓ પદગ્રહણ કરશે.
નીતિન નવીનને આજે ઔપચારિક રીતે પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવશે. આ તકે યોજાનાર સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને તમામ વરિષ્ઠ નેતાઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ, રાજ્ય પ્રમુખો, રાજ્ય સંગઠન મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને રાષ્ટ્રીય પદાધિકારીઓ હાજરી આપશે. ચૂંટણી પ્રક્રિયા ભાજપ મુખ્યાલય ખાતે પૂર્ણ થશે. વડા પ્રધાન આ પ્રસંગે સંબોધન પણ કરી શકે છે.
મુખ્ય ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણે સાંજે ચૂંટણી અંગે માહિતી આપી હતી. ત્યારબાદ, આજે સવારે 11 વાગ્યે ભાજપ મુખ્યાલય ખાતે 700 પ્રતિનિધિઓ એકઠા થશે. વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે. તેમની હાજરીમાં નીતિન નવીનની ચૂંટણીની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો :ચારધામ યાત્રા દરમિયાન રિલ્સ બનાવવા પર પ્રતિબંધ: કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ
તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રદેશ પ્રમુખોને દિલ્હી બોલાવાયા
નીતિન નવીનના નામાંકન માટે, તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો, રાજ્ય સંગઠન મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને સહ-પ્રભારીઓને બપોરે 2 વાગ્યે પાર્ટી મુખ્યાલયમાં હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. નવા પ્રમુખને તમામ રાજ્યોનો ટેકો છે તે સંદેશ આપવા માટે તમામ રાજ્યો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી. આ ઉપરાંત, તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ પ્રસ્તાવક તરીકે હાજર રહ્યા હતા.
નીતિન નવીન આવતી કાલે મોટી બેઠક બાદ સંબોધન કરશે
રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ, નીતિન નવીન 21મી જાન્યુઆરીએ આવતી કાલે તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે ઔપચારિક બેઠક કરશે. આ બેઠકમાં તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખો, રાજ્ય સંગઠન મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓ હાજરી આપશે. નીતિન નવીન આ પ્રસંગે તમામ પદાધિકારીઓને સંબોધિત કરશે તેવો નિર્ણય લેવાયો હતો. એમના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
