એસ.ટી.બસમાં ટિકિટનું રિફંડ માંગી મહિલા કંડક્ટર સાથે ફડાકાવાળી: મહિલા અને પુરુષ સામે નોંધ્યો ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો
રાજકોટ-ગોંડલ હાઈવે પર શિવ હોટલ પાસે એસ.ટી. બસમાં ફરજ બજાવી રહેલા એક મહિલા કંડક્ટર સાથે ટિકિટના રિફંડ મુદ્દે માથાકૂટ કરી મહિલાએ ફડાકા ઝીંકી દેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. આ ઘટનામાં આજીડેમ પોલીસે મહિલા અને પુરુષ સામે ફરજ રૂકાવટનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો મુજબ, મૂળ પોરબંદરના રાતિયાગામના રહેવાસી અને છેલ્લા અઢી વર્ષથી એસ.ટીમાં કંડક્ટર તરીકે સેવા આપતા હેતલબેન અરજણભાઈ રાઠોડ (ઉ.વ. 26) એ આજીડેમ પોલીસ મથકમાં આરોપી તરીકે રાજકોટ કૈલાશ પાર્કમાં રહેતા સાગરદાન પાંચલિયા અને ભગવતીબેન લીલા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તારીખ 17/01/2026 ના રોજ સાંજે તેઓ રાજકોટ ડેપોથી પોરબંદર જતી બસમાં ફરજ પર હતા.બસ જ્યારે સાતેક વાગ્યે રાજકોટથી નીકળી ગોંડલ ચોકડીથી આગળ શિવ હોટલ પાસે પહોંચી ત્યારે બસમાં સવાર આરોપી સાગરદાનએ ‘ઇમરજન્સી છે’ તેમ કહી બસ ઉભી રખાવી હતી. ઉતરતી વખતે તેણે ટિકિટના રિફંડની માંગણી કરી હતી.
આ પણ વાંચો :જસદણ છ વર્ષની બાળકી પર દુ*ષ્કર્મનો મામલો: નરાધમનો ચહેરો વિડીયો સ્ક્રીન ઉપર આવ્યો’ને બાળકીએ ઓળખી બતાવ્યો
જોકે, કંડક્ટરે નિયમ મુજબ રિફંડ આપવાની ના પાડતા પેસેન્જર ઉશ્કેરાઈ ગયો હતો અને “બસ તમારા બાપુજીની છે?” તેમ કહી અભદ્ર વર્તન શરૂ કર્યું હતું. આ બોલાચાલી દરમિયાન આરોપી સાથે રહેલી ભગવતીબેને પણ ઝઘડો શરૂ કર્યો હતો.
મામલો એટલો બિચક્યો હતો કે મહિલા આરોપીએ ઉશ્કેરાઈ જઈ મહિલા કંડક્ટરને બે-ત્રણ ફડાકા ઝીંકી દીધા હતા. આ જોઈ ડ્રાઈવર રામભાઈએ બસ સાઈડમાં ઉભી રાખી દીધી હતી. દરમિયાન બસમાં સવાર અન્ય પેસેન્જરે 112 પર કોલ કરતા પોલીસ વેન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બંને આરોપીઓને પોલીસ મથકે લઈ જઈ તેમના વિરૂધ્ધ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો.
