રાજકોટમાં મોબાઈલના વેપારીઓ પર DGGIની તવાઈ:ડુપ્લિકેટ બિલિંગ-ટેક્સ્ટ ચોરીની શંકા, વેચાણ-ખરીદીના બિલ,GST રિટર્ન સહિતના રેકોર્ડ્સ કબજે
રાજકોટમાં રવિવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI)ની ટીમે મોબાઈલ વેપારીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં આવેલી ઉમિયા મોબાઈલ અને મેહુલ ટેલિકોમ ખાતે DGGIની ટીમે અચાનક દરોડા પાડીને મોડી રાત સુધી તપાસ ચલાવી હતી. રવિવારના દિવસે વેપારીઓને “ઊંઘતા ઝડપાયા” તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે સમગ્ર મોબાઈલ માર્કેટમાં ખળભળાટ મચી ગયો હતો.આ દરોડાને પગલે યાજ્ઞિક રોડ અને સરદારનગર મેઈન રોડ પર આવેલા મોબાઈલની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ DGGI દિલ્હી કચેરીની સૂચનાથી રાજકોટના કેટલાક મોબાઈલ વેપારીઓને રડારમાં લેવામાં આવ્યા હતા. મોબાઈલ ફોનનું બિલ વગર વેચાણ, જૂના મોબાઈલની બિલ વગર ખરીદી તેમજ ગે્ર માર્કેટમાં બિલ વગર ચાલતા મોટા પાયાના વ્યવહાર અંગે DGGIને ચોક્કસ ઇનપુટ મળ્યા હોવાની ચર્ચા છે. આ આધારે ઇન્ટેલિજન્સ વિભાગે આ વેપારીઓ સામે કાર્યવાહી કરી હોવાનું મનાઈ રહ્યું છે.
દરોડા દરમિયાન DGGIની ટીમે વેપાર સ્થળેથી મહત્વના દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ્સ, કમ્પ્યુટર સિસ્ટમ, મોબાઈલ ડેટા અને કરચોરીનાં પુરાવા કબ્જે કર્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન વેચાણ-ખરીદીના બિલ, GST રિટર્ન્સ અને સ્ટોક રજિસ્ટર સહિતના રેકોર્ડ્સની બારીક તપાસ કરવામાં આવી હતી.જેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકારની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું અધિકારીઓની સામે આવ્યું છે.
આ પણ વાંચો :અમિત-વિજયનું કુંડાળું મોટું નીકળ્યું: 70 લોકોએ એક લાખથી એક કરોડ ગુમાવ્યા, બે દિવસમાં 15 લોકોના નિવેદન નોંધાયા
આ કાર્યવાહીથી શહેરના અન્ય મોબાઈલ વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. જોકે, હાલ સુધી DGGI દ્વારા કોઈ સત્તાવાર નિવેદન અથવા ટેક્સચોરીની ચોક્કસ રકમ અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી. તપાસ પૂર્ણ થયા બાદ વધુ ખુલાસા થવાની શક્યતા છે.
