અમિત-વિજયનું કુંડાળું મોટું નીકળ્યું: 70 લોકોએ એક લાખથી એક કરોડ ગુમાવ્યા, બે દિવસમાં 15 લોકોના નિવેદન નોંધાયા
જાણીતી નમકીન બ્રાન્ડ વડાલિયા ફૂડસના સંચાલક સહિત પરિવારના અનેક સભ્યોને ક્રશરના ધંધામાં 12% વળતર ચૂકવવાની લાલચ આપી 6 કરોડથી વધુનું રોકાણ કરાવનારી બેલડીએ મુળ રકમ કે વળતરના 10.90 કરોડ ચૂકવવાની જગ્યાએ હાથ ઉંચા કરી દેતાં આખરે બે શખસો વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતાં જ પોલીસે અમિત રમેશભાઈ ભાણવડિયાની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો છે ત્યારે બીજી બાજુ આ બેલડીનો એક-બે નહીં બલ્કે 70 લોકો ભોગ બન્યા હોવાનું સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે.
આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ સી.એચ.જાદવે જણાવ્યું કે અમિત રમેશભાઈ ભાણવડિયા અને તેના સાથીદાર વિજય હરિભાઈ માકડિયા (રહે.બન્ને ફોર્ચ્યુન એક્ઝોટિકા એપાર્ટમેન્ટ-મોટામવા)એ 70 જેટલા લોકોને રોકાણ પર 12% વળતર આપવાની લાલચ આપી એક લાખથી એક કરોડથી વધુ સુધીની રકમ મેળવી લીધી હતી. શરૂઆતમાં બન્નેએ વળતર પણ ચૂકવ્યું હતું પછી પૈસા આપવાનું જ બંધ કરી દીધું હતું. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૈસા ગુમાવનારા લોકોની યાદી તૈયાર કરી વારાફરતી નિવેદન માટે બોલાવવામાં આવી રહ્યા છે અને રોકાણ કર્યા અંગેના પૂરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. બે દિવસમાં 15 જેટલા લોકોનું નિવેદન લેવામાં આવ્યાનું પીઆઈએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :રાજકોટના રસ્તા ઉપર પોણા બે કરોડના પટ્ટા લગાવશે મનપા: 1 વર્ષમાં જ ત્રણેય ઝોનના સિગ્નલ સહિતના રસ્તા ઉપર લગાવેલા સફેદ પટ્ટા ભૂંસાયા
એકંદરે જે પ્રકારે અરજદારો ફરિયાદ કરવા માટે આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ કૌભાંડનો આંક એકાદ અબજ આસપાસ પહોંચી જશે. બીજી બાજુ રિમાન્ડ દરમિયાન અમિત ભાણવડિયાની પૂછપરછમાં તે એક જ રટણ કરી રહ્યો છે કે ધંધામાં ખોટ જતાં તે પૈસા ચૂકવી શક્યો નથી. હજુ અમિતનો સાથીદાર વિજય હાથમાં આવ્યો ન હોય તે પકડાઈ ગયા બાદ આટલા બધા પૈસા ક્યાં ગયા તેનો ખ્યાલ આવી શકશે.
