રાજકોટના હીરાસર એરપોર્ટનું સુવિધામાં હિર ચમકયું: નેશનલ રેન્કિંગમાં 18માં સ્થાને: જાણો કઈ સુવિધામાં કેટલો રેન્ક મળ્યો
રાજકોટના હીરાસર એરપોર્ટની કામગીરીમાં મોટો સુધારો જોવા મળ્યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા કસ્ટમર સેટિસ્ફેક્શન અને પરફોર્મન્સ સર્વેમાં હીરાસર એરપોર્ટ દેશભરમાં 31મા સ્થાનેથી ઉછળી 18મા ક્રમે પહોંચ્યો છે.
એરપોર્ટ ઓથોરિટી વર્ષ દરમિયાન બે વખત મુસાફરોના અભિપ્રાય આધારે કસ્ટમર સેટિસ્ફેક્શન અને પરફોર્મન્સ સર્વે કરે છે. વર્ષ 2024 દરમિયાન મુસાફરોને આપવામાં આવેલી સુવિધાઓમાં નબળું પરફોર્મન્સ રહેતા હીરાસર એરપોર્ટ 27મા અને ત્યારબાદ 31મા ઇન્ડેક્સ સુધી ખસી ગયો હતો.

પરંતુ વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં યોજાયેલા સર્વેમાં મુસાફરો એરપોર્ટની વ્યવસ્થાઓથી સંતોષ વ્યક્ત કરતા જોવા મળ્યા છે. જેના પરિણામે દેશના ટોપ 34 એરપોર્ટ્સમાંથી હીરાસર એરપોર્ટએ નોંધપાત્ર ઉછાળો મેળવી 14મા ક્રમે સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ રાજકોટ એરપોર્ટની સુવિધાઓ અને મેનેજમેન્ટમાં થયેલા સુધારાનું પ્રતિબિંબ છે.

વર્ષ 2025 માટે જાહેર થયેલી દેશના ટોપ 34 એરપોર્ટની યાદીમાં ગુજરાતના ચાર એરપોર્ટોએ મહત્વનું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ગુજરાતમાંથી વડોદરા એરપોર્ટ બીજા ક્રમે રહ્યો છે, જ્યારે જામનગર ચોથા અને સુરત એરપોર્ટએ આઠમું સ્થાન મેળવ્યું છે.
આ સાથે રાજકોટના હીરાસર એરપોર્ટની કસ્ટમર સર્વિસમાં નોંધપાત્ર સુધારો થયો છે. મુસાફરોને આપવામાં આવતી સેવાઓમાં વધારો થતાં હીરાસર એરપોર્ટનો કસ્ટમર સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ 4.75 સુધી પહોંચ્યો છે, જેમાં સુવિધાઓમાં 0.45નો વધારો નોંધાયો છે. જેના કારણે એરપોર્ટની રેન્કિંગમાં પણ સુધારો જોવા મળ્યો છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશના કુલ 62 એરપોર્ટ પર આ કસ્ટમર સેટિસ્ફેક્શન અને પરફોર્મન્સ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓ, સ્વચ્છતા, સુરક્ષા, ચેક-ઇન વ્યવસ્થા, સ્ટાફનો વ્યવહાર સહિત કુલ 33 અલગ અલગ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
આ સર્વેના પરિણામોમાં પ્રથમ ક્રમે ખજુરાહો અને ભોપાલ એરપોર્ટનો સમાવેશ થયો છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા સતત સુધારાના પ્રયાસોનું આ પરિણામ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
