સુરતમાં ગૃહકલેશને લીધે પરિણીતાનું અગ્નિસ્નાન: પત્ની સળગતી હતી અને પતિ વિડીયો ઉતારતો હતો, જાણો શું છે સમગ્ર મામલો
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ગૃહકલેશથી કંટાળી એક પરિણીતાએ પોતાના શરીર ઉપર ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. આ સમયે હાજર પતિએ તેને બચાવવાનો પ્રયાસ કરવાને બદલે તેનો વિડીયો ઉતાર્યો હતો. આ શખશે પોલીસને એવું કહ્યું હતું કે, મારા ઉપર સળગાવી દીધાનો આરોપ ન આવે તે માટે આ વિડીયો ઉતાર્યો હતો. જો કે પોલીસે તેની આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી કરવાના ગુનામાં તેની ધરપકડ કરી છે.
મૃતક પરિણીતાની ઓળખ 31 વર્ષીય પ્રતિમાદેવી તરીકે થઈ છે, જેઓ મૂળ બિહારના છપરાના હરબંશ છબીલા સહાની પુત્રી હતી. તેમના લગ્ન રંજિત દિલીપ સહા સાથે થયા હતા અને તેઓ સુરતના ઈચ્છાપોરની જયરાજ સોસાયટીમાં રહેતા હતા. દંપતીને પ્રિયા, આદિત્ય અને અંકુશ નામના ત્રણ સંતાનો છે. પતિ રંજિત ગેરેજમાં નોકરી કરે છે અને નાની-નાની વાતમાં પ્રતિમાદેવી સાથે ઝઘડો કરતો હતો, જેના કારણે ઘરમાં અવારનવાર ક્લેશ થતો હતો.
આ પણ વાંચો :હવે ચાલુ વિમાને થઇ શકશે ફોન,મેસેજઃ ચાર્જર વગર ફોન થશે ચાર્જ, મુસાફરોને આહલાદક અનુભવ કરાવવામાં આવશે
બાળકો પરથી શરૂ થયેલો ઝઘડો અગ્નિસ્નાન સુધી પહોંચ્યો
બાળકો અંકુશ અને આદિત્યએ પડોશીએ ધાબા પર સૂકવવા મૂકેલા ઘઉં વેરવિખેર કરી દેતા પિતા રંજિતે તેમને ઠપકો આપ્યો હતો અને સ્કૂલે ન જવા દેવાની ધમકી આપી હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. પ્રતિમાદેવીએ બાળકોનો પક્ષ લેતા રંજિતે તેના પર ભારે ગુસ્સો કરી મારઝૂડ કરી હતી. મારઝૂડથી કંટાળી પ્રતિમાદેવીએ મરી જવાની વાત કરી હતી. ત્યારે આવેશમાં આવીને રંજિતે “ઘરમાં તેલ પડ્યું છે, તે લઇ સળગી જા” કહીને ઉશ્કેરણી કરી હતી.
પતિની ઉશ્કેરણીથી આવેશમાં આવેલી પ્રતિમાદેવીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. આ સમયે રંજિતે પત્નીને બચાવવાનો કોઈ પ્રયાસ કરવાને બદલે તેનો વીડિયો ઉતાર્યો હતો અને તેણીને સળગવા દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાદેવીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. રંજિતે શરૂઆતમાં આ ઘટનાને અકસ્માતે દાઝી જવાનું જુઠ્ઠાણું ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હોસ્પિટલના બિછાનેથી પ્રતિમાદેવીએ તેમના ભાઈ જયપ્રકાશને પોતે સળગી હોવાની હકીકત જણાવી હતી.
ઘટના બાદ પ્રતિમાદેવીના પિતા હરબંશ છબીલા સહાએ જમાઈ રંજિત દિલીપ સહા વિરુદ્ધ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રંજિત સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. પોલીસે ઘટના સ્થળ પરથી મળેલા પુરાવા, વીડિયો ક્લિપ અને સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
