હવે સામાનની ચિંતા છોડો! રાજકોટ રેલવે સ્ટેશન પર સ્માર્ટ ડિજિટલ લોકરની સુવિધા શરૂ, જાણો કેટલો છે લોકરનો ચાર્જ
મુસાફરોની સુવિધાને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે, પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને રાજકોટ રેલ્વે સ્ટેશન પર સ્માર્ટ ડિજિટલ લોકર સુવિધાની શરૂઆત કરી છે. આ અત્યાધુનિક સુવિધા મુસાફરોને સુરક્ષિત, સંપૂર્ણ સ્વચાલિત અને અનુકૂળ સામાન સંગ્રહની સુવિધા પૂરી પાડે છે. આ સેવા ત્રણ વર્ષના કરાર હેઠળ શરૂ કરવામાં આવી છે અને ભારતીય રેલ્વે દ્વારા ટેકનોલોજી આધારિત મુસાફર સુવિધાઓને પ્રોત્સાહન આપવાની દિશામાં આ એક મોટું પગલું છે. આ ડિજિટલ લોકર સુવિધા રાજકોટ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર સ્થિત અપર ક્લાસ વેઇિંટગ હોલની નજીકના વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવી છે, જેથી મુસાફરો માટે તેનો ઉપયોગ કરવો અત્યંત સરળ રહેશે.
પરંપરાગત ક્લોક રૂમ પ્રણાલીથી વિપરીત, સ્માર્ટ ડિજિટલ લોકર સિસ્ટમ મુસાફરોને કોઈ પણ રેલ્વે કર્મચારીની મદદ વગર જાતે જ પોતાનો સામાન રાખવા અને મેળવવાની સુવિધા આપે છે.
1) લોકર OTP અને QR કોડ આધારિત એક્સેસ પર કાર્ય કરે છે.
2) આ પ્રક્રિયા ઝડપી, સુરક્ષિત અને સંપૂર્ણપણે યુઝર-ફ્રેન્ડલી છે.
3) તમામ ચુકવણી ડિજિટલ અને કેશલેસ છે, જે પારદર્શિતા વધારે છે અને રોકડ વ્યવહારની જરૂરિયાત દૂર કરે છે. આ નવી સુવિધા ખાસ કરીને એવા મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેઓ થોડા કલાકો માટે રાજકોટ આવ્યા છે અને પોતાનો ભારે સામાન સ્ટેશન પર સુરક્ષિત મૂકીને શહેરની મુલાકાત લેવા માંગે છે. આ પહેલ મુસાફરોની સુવિધાઓને વધુ બહેતર બનાવશે.

મુસાફરોની સુવિધા માટે દર પત્રક ડિજિટલ લોકર પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આવી જ સ્માર્ટ ડિજિટલ લોકર સુવિધા તાજેતરમાં રાજકોટ ડિવિઝનના દ્વારકા અને જામનગર સ્ટેશન પર પણ શરૂ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝન મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે સતત કાર્યરત છે.
