રાજકોટમાં એક જ દીવસમાં 300થી વધુ મિલકત સીલ: અઢારેય વોર્ડમાં અલગ-અલગ ટીમ બનાવી વસૂલાત, પૂરો વેરો ભરપાઇ થશે તો જ સીલ ખૂલશે
નવું નાણાકીય વર્ષ પૂર્ણ થવા આડે અઢી મહિનાનો સમય બાકી છે ત્યારે રાજકોટ મહાપાલિકાની વેરા વસૂલાત શાખાને 425 કરોડની વેરા ઉઘરાણીનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હોય વેરા શાખા ધાર સજાવી મેદાને ઉતરી પડી હોય તે પ્રકારે ગુરૂવારે એક જ દિવસમાં 300થી વધુ મિલકતોને સીલ મારી દેવામાં આવતાં બાકીદારોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
તંત્ર દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે પાંચ હજારનો વેરો બાકી હશે તેની મિલકત સીલ કરવા ઉપરાંત નળ કનેક્શન કટ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આ સિલસિલામાં ગુરૂવારથી જ અઢારેય વોર્ડમાં વેરા શાખાની અલગ-અલગ ટીમ ઉઘરાણી માટે નીકળી પડી હતી અને વેરો ભરપાઈ કરવામાં આનાકાની કરનાર બાકીદારની મિલકતને સીલ મારી દેવાતાં સીલિંગનો આંકડો 300ને પણ પાર કરી જવા પામ્યો હતો. એકંદરે પાંચ હજાર હોય કે પાંચ લાખનો વેરો બાકી હોય ભરપાઈ કરવામાં નહીં આવે એટલે મિલકત સીલ કરી જ દેવાશે તેવું વેરા શાખાએ સ્પષ્ટપણે જણાવી દીધું હતું.
આ પણ વાંચો :ધમપછાડા બાદ આખરે ટ્રમ્પની ઈચ્છા પૂરી થઈ: મચાડોએ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ભેટ કર્યો, વેનેઝુએલાના સંકટ વચ્ચે વ્હાઇટ હાઉસ ખાતે મુલાકાત
દરમિયાન મોચી બજારમાં ઉઘડતી બજારે જ 20થી વધુ દુકાનો કે જેમનો વેરો બાકી હોય તેને સીલ મારી દેવામાં માથાકૂટ પણ થવા પામી હતી. વેપારીઓનું કહેવું હતું કે છેલ્લા ઘણા વર્ષથી તેમને વેરા બિલ મળી રહ્યું નથી અને હવે એક સાથે વેરાબિલ ફટકારી વસૂલાત કરવામાં આવી રહી છે ત્યારે એક સાથે આટલા પૈસા ભરવા શક્ય નથી આમ છતાં તંત્ર દ્વારા દુકાન સીલ કરી દેવાતાં ધંધો કેવી રીતે કરશું ? જો કે વેરા વિભાગ દ્વારા આ મુદ્દે સ્પષ્ટ જણાવી દેવાયું હતું કે સાત વર્ષથી વેરો બાકી હોવા ઉપરાંત એક જ કોમ્પલેક્સ જેવી મિલકતમાં અલગ-અલગ દુકાનો બનાવી લેવામાં આવી હોવા છતાં વેરા આકારણી માટેની અરજી કરવામાં ન આવી હોવાથી આ કાર્યવાહી કરાઈ છે.
પૂરો વેરો ભરપાઇ થશે તો જ સીલ ખૂલશે
વેરા વિભાગે એમ પણ જણાવ્યું હતું કે જે જે મિલકતોને સીલ કરવામાં આવી છે તે મિલકતધારક દ્વારા વેરાની તમામ રકમ ભરપાઈ કરવામાં આવશે તો જ સીલ ખોલી દેવાશે. એકંદરે હવે બાકીદારને હપ્તા સિસ્ટમ કે અન્ય કોઈ રાહત અપાશે નહીં.
