રાજકોટમાં ઇન્સ્ટાગ્રામમાં વાતો કરતી યુવતીને મળવા જતાં સગીરનું અપહરણ કરી માર માર્યો: જબરદસ્તી ગાંજો પીવડાવી ડાન્સ કરાવી વીડિયો બનાવ્યો
રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરની ફસાવ્યા બાદ અપહરણ કરી મારમારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલા 17 વર્ષીય સગીરે ઇન્સ્ટાગ્રામ પર યુવતીના ફેક આઈડી દ્વારા પ્રેમજાળમાં ફસાવી,તેનું અપહરણ કરી, છ થી સાત શખ્સોએ બેફામ ફટકારી લૂંટ ચલાવી તેમજ મોબાઇલ ઝૂંટવી લઈને જબરદસ્તી ગાંજો પીવડાવી ડાન્સ કરતો વીડિયો ઉતાર્યો હોવાના આક્ષેપો કરતાં ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી વિગતો મુજબ, પડધરીના ન્યારા ગામે રહેતો 17 વર્ષીય સગીર ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અહીં યુવકે અજાણ્યા શખ્સો સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી ઇન્સ્ટાગ્રામ પર એક અજાણ્યા યુવતીના આઈડી સાથે વાતચીત કરતો હતો. સામે પક્ષેથી યુવતી બનીને વાત કરતા શખ્સે તેને મળવા માટે રેલનગરના હનુમાન મંદિર પાસે બોલાવ્યો હતો. સગીર જેવો ત્યાં પહોંચ્યો કે તરત જ બ બે બાઇક પર સવાર 6 થી 7 શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું.
આરોપીઓ સગીરને બળજબરીથી બાઇક પર બેસાડી માધાપર ચોકડીથી બેડી રોડ વચ્ચે આવેલી માધવ હોટલે લઈ ગયા હતા. ત્યાં તેને બેફામ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાંથી મામાદેવના મંદિરે લઈ જઈ ધોકા, પાઈપ અને ઢીકાપાટુ વડે હુમલો કરી તેનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. લૂંટારુઓએ ફોનમાંથી સિમકાર્ડ કાઢીને સગીરને આપી દીધું હતું અને ફોન પોતાની પાસે રાખી લીધો હતો.ગાંજો પીવડાવી વીડિયો ઉતાર્યો અને ધમકી આપી અત્યાચારની હદ તો ત્યારે વટાવી જ્યારે શખ્સો તેને ઈશ્વરીયા નદી કાંઠે લઈ ગયા અને પૂછ્યું કે, `તારે ઘરે જવું છે?` સગીરે હા પાડતા આરોપીઓએ શરત મૂકી કે જો ઘરે જવું હોય તો ગાંજો પીવો પડશે. ત્યારબાદ એઇમ્સ હોસ્પિટલ પાસે બાવળની ઝાડીઓમાં લઈ જઈ સગીરને પરાણે ગાંજો પીવડાવ્યો હતોતેની પાસે ગીતો ગવડાવ્યા હતા અને માર મારતા હોય તેવો વીડિયો પણ ઉતાર્યો હતો.
આરોપીઓએ સગીરને ધમકાવતા કહ્યું હતું કે, `તારા જેવા બકરા જ અમે શોધીએ છીએ” જો પોલીસ કેસ કરીશ તો જેલમાંથી બહાર આવીને તને છરીના ઘા મારી દઈશું, `અમને પોલીસની બીક નથી.ઘટના બાદ આરોપીઓ સગીરને તેના ઘરની શેરી પાસે મૂકીને નાસી છૂટ્યાહતા. ઈજાગ્રસ્ત હાલતમાં આર્યને પરિવારને આપવીતી જણાવતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસે સગીરના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
