રાજકોટના હીરાસર એરપોર્ટ વિસ્તારમાં હવે પશુઓ નહીં ઘુસી શકે: ફેન્સિંગ લગાવાઈ, વડાપ્રધાન મોદીનાં આગમન પૂર્વે ખાસ ડિઝાઇન સાથે બેરીકેડ લાગ્યાં
વાઈબ્રન્ટ સમીટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ખાસ કરીને હીરાસર એરપોર્ટને લઈને લાંબા સમયથી અટવાયેલા અનેક પ્રશ્નોનો હવે ઉકેલ આવ્યો છે. એરપોર્ટ શરૂ થવાના માર્ગ પર અગાઉ પશુ-પ્રાણીઓના અિંડગા અને અવરોધોના કારણે વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતોના બનાવો બનતા હતા. હવે આ સમસ્યાને ધ્યાનમાં લઈ એપ્રોચ રોડ પર ઓથોરિટી દ્વારા સુંદર ડિઝાઇન સાથે બંને બાજુ મજબૂત ફેિંન્સગ તથા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. જેના કારણે વાહનવ્યવહાર વધુ સુરક્ષિત બનશે અને મુસાફરોને સરળતા મળશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકોટ મુલાકાતને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. રાજકોટ ઇન્ટરનેશનલ (હીરાસર) એરપોર્ટ પર નવી સુવિધાઓ સાથે લાંબા સમયથી પેન્ડિંગ રહેલી યોજનાઓને તાબડતોબ અમલમાં મુકવામાં આવી રહી છે. હીરાસર એરપોર્ટના એપ્રોચ રોડની બંને બાજુ ખુલ્લી સાઈડ હોવાના કારણે આજુબાજુના ગામોમાંથી પશુધન અચાનક રોડ પર આવી ચડતું હતું, તો કેટલીક વખત દીપડો ઘુસી જવાની ઘટના પણ સામે આવી હતી.

અચાનક પ્રાણીઓ રોડ પર આવી જતાં અહીંથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવો પડતો હતો. હવે ઓથોરિટી દ્વારા બંને બાજુ મજબૂત ફેન્સીંગ કરવામાં આવતા સુરક્ષાની દૃષ્ટિએ મોટી રાહત મળી છે. ફેન્સીંગ પૂર્ણ થતાં હવે દીપડો તો શું, ચકલું પણ એરપોર્ટ રોડ પર ફરકી ન શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે!

12 મીએ સ્પાઈસ જેટની બે ચાર્ટર્ડ ફલાઈટ ઉડાન ભરશે
વાઈબ્રન્ટ સમિટ દરમિયાન દેશ-વિદેશથી બિઝનેસ ડેલીગેશન રાજકોટ આવી રહ્યું છે. ડેઇલી ફ્લાઈટ્સ ઉપરાંત આ ત્રણ દિવસમાં અનેક ચાર્ટર્ડ ફ્લાઈટ્સનું પણ આવાગમન રહેશે.મળતી માહિતી મુજબ એક સ્લોટ ફાઈનલ થયો છે, જેમાં તા. 12 જાન્યુઆરીના રોજ સ્પાઈસજેટની બે ચાર્ટર્ડ ફ્લાઈટ હીરાસર એરપોર્ટ પર આવશે.સ્પાઈસજેટની SG 9034 અને SG 9031 ફ્લાઈટ દ્વારા હીરાસર વડોદરા અને હીરાસર– મુંબઈ રૂટ પર ઉડાન ભરાશે.આ ફ્લાઈટ્સ દ્વારા વાઈબ્રન્ટ સમિટ માટેનું ડેલીગેશન રાજકોટ પહોંચશે.

સિટી રાઈડ પર આતંકી હુમલોઃ CISF દ્વારા ઓપરેશન
આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટનાં અનુસંધાને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિવિધ વીવીઆઈપીના આગમનને ધ્યાનમાં રાખીને CISF યુનિટ રાજકોટ એરપોર્ટ દ્વારા ઓપરેશનલ તૈયારીની ચકાસણી માટે મોક એક્સરસાઈઝ યોજવામાં આવી હતી.07 જાન્યુઆરી 2026ના રોજ “સિટી સાઇડ પર આતંકી હુમલો” જેવી પરિસ્થિતિને આધારે યોજાયેલી આ મોક ડ્રિલમાં સંભવિત કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.મોક ડ્રિલ દરમિયાન સુરક્ષા દળોની ઝડપી પ્રતિભાવ ક્ષમતા, સંકલન અને કાર્યક્ષમતાની કસોટી કરવામાં આવી હતી. સમગ્ર અભ્યાસનું માર્ગદર્શન અને નિરીક્ષણ અમનદીપ સીરશ્વા, ડેપ્યુટી કમાન્ડનટ દ્વારા કરવામાં આવ્યું હતું.આ અભ્યાસ દ્વારા એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
