રાજકોટની ભાગોળે બની રહેલુ ટોલ નાકુ લોકો ઉપર બોજ: દુર ખસેડવા માંગ,ટોલ પ્લાઝા અંગે કોંગ્રેસની NHAIને રજૂઆત
રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ નજીક અને રાજકોટ શહેરની તદ્દન નજીક ઊભા થઈ રહેલા ટોલ પ્લાઝા અંગે શહેરી નાગરિકો, ગ્રામજનો, ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. ટોલ પ્લાઝાનું સ્થાન અને આયોજન શહેરના હિતોને અવગણીને કરવામાં આવ્યું હોવાના આરોપો ઉઠી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતે નેશનલ હાઇવે ઓથોરિટી ને લેખિતમા રજૂઆત કરીને આ ટોલપ્લાઝા અંગે પુનર્વિચાર કરીને અન્ય વૈકલ્પિક જગ્યા પર ખસેડવા માંગ કરી છે અને આગામી સમયમા તંત્ર દ્વારા કોઈ નિરાકરણ નહીં કરવામા આવે તો જન આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે અને કહ્યું કે જરૂર પડ્યે આગામી સમયમા આયોજનબદ્ધ રીતે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમા ચોરા મીટીંગો,પત્રિકા વિતરણ કરીને લોકોને જાગૃત કરીશું અને બાદ એક મોટું આંદોલન પણ કરીશુ.
શહેરની સીમાની નજીક ટોલ પ્લાઝા ઉભો કરવાથી દૈનિક પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગવાની પૂર્ણ શક્યતા છે. રાજકોટ શહેર પહેલેથી જ ટ્રાફિક દબાણનો સામનો કરી રહ્યું છે, તેમાં ટોલ પ્લાઝા ઉમેરાતા ટ્રાફિકજામ નિયમિત સમસ્યા બની જશે.
રાજકોટ એરપોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ પર જ આ ટોલ પ્લાઝા આવેલો હોવાથી એરપોર્ટ જતા મુસાફરો માટે આ માર્ગ સૌથી વધુ સંવેદનશીલ બની જશે. ટોલ પ્લાઝા પર સર્જાતો ટ્રાફિક જામ મુસાફરોના કિંમતી સમયનો નાશ કરશે, જેના કારણે ઘણા મુસાફરો સમયસર એરપોર્ટ પહોંચી ન શકે અને ફ્લાઇટ ચૂકી જવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.ટોલ પ્લાઝાના કારણે એરપોર્ટ પર આવતા–જતા તમામ મુસાફરોને સીધો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડશે.
આ તમામ મુદ્દાઓ અંગે ગ્રામજનો, ટ્રાન્સપોર્ટરો, વેપારીઓ તથા ટુર-ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં સ્થાનિક વાસ્તવિક પરિસ્થિતિનું સર્વાંગી મૂલ્યાંકન કર્યા વિના ટોલ પ્લાઝાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્ય ચાલુ રાખવામાં આવી રહ્યું છે, જે લોકહિતના સિદ્ધાંતો વિરુદ્ધ છે.
