હત્યા કે આત્મહત્યા? યુવકની છરીના ઘા લાગેલી લાશ મળી, મોબાઈલમાં આપઘાત અંગે ધર્મ શું કહે છે તેની સર્ચ હિસ્ટ્રી મળી!
રાજકોટના ભોમેશ્વર પ્લોટ શેરી નં.8માં આવેલા બાબજી એવન્યુ એપાર્ટમેન્ટની અગાસી પરથી 35 વર્ષીય વ્હોરા યુવકની છરીના ઘા લાગેલી લાશ મળી આવતા આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે જાણવા માટે પોલીસ રીતસરની ધંધે લાગી ગઈ હતી. હાલ તો પોલીસ આત્મહત્યાની થિયરી પણ તપાસ કરી રહી છે સાથે સાથે હત્યાના એંગલ ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરી શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે.
આ અંગે વધુમાં જાણવા મળેલી વિગત પ્રમાણે મુળ મુંબઈના અને છેલ્લા સાતેક વર્ષથી રાજકોટમાં રહેતા અને એ-ડિવિઝન પોલીસ મથક નજીક જોલી એસ્ટેટ પાસે દરજીકામની દુકાન ધરાવતા અબ્બાસ યુસુફઅલી મર્ચન્ટ (ઉ.વ.35) નામના યુવકનો બાબજી એવન્યુ એપાર્ટમેન્ટની અગાસી પરથી ગળા તેમજ છાતી ઉપર છરીના ઘા લાગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યાની જાણ થતાં જ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ ઉપરાંત ગાંધીગ્રામ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દોડી ગઈ હતી.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગત પ્રમાણે મૃતક અબ્બાસની બહેન ત્યાં નજીકમાં જ આવેલી એક્ઝાન સોસાયટીમાં રહે છે. પોતાના ભાઈ સાથે ત્રણેક દિવસથી વાતચીત થઈ ન હોય બહેન સતત તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ સંપર્ક ન થઈ શકતાં આખરે તે બાબજી એવન્યુ કે જ્યાં 402 નંબરના ફ્લેટમાં અબ્બાસ રહેતો હતો ત્યાં દોડી ગઈ હતી. ત્યાં જઈને ચોકીદારને ભાઈ સાથે સંપર્ક ન થઈ રહ્યાની વાત કરતાં ચોકીદાર સૌથી પહેલાં તેને ફ્લેટમાં લઈ ગયો હતો પરંતુ ત્યાં ભાઈના સગડ મળ્યા ન્હોતા. આ પછી અગાશી પર જઈને જોતાં ત્યાં અબ્બાસનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતાં બહેન ત્યાં જ ભાંગી પડી હતી.
તપાસમાં ખુલ્યા પ્રમાણે અબ્બાસના માતા કોરોનાને કારણે ગુજરી ગયા હતા જ્યારે પિતાનું પણ અકાળે અવસાન થતાં તે ભાંગી પડ્યો હતો. આ પછી તે રાજકોટ આવી ગયો હતો અને અહીં દરજીકામ કરતો હતો. અગાઉ તેની પાસે બાબજી એવન્યુથી થોડે જ દૂર આવેલા બાબજી એપાર્ટમેન્ટમાં પોતાનો ફ્લેટ હતો જે વેચીને તેણે બાબજી એવન્યુમાં ભાડાનો ફ્લેટ લીધો હતો જ્યાં તે ચારથી પાંચ મહિના પહેલાં રહેવા આવ્યો હતો. અબ્બાસ અપરિણીત હોય ફ્લેટમાં એકલો જ રહેતો હતો. તેની એક બહેન રાજકોટ તો એક બહેન પૂના રહેતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
મોબાઈલમાં આપઘાત અંગે ધર્મ શું કહે છે તેની સર્ચ હિસ્ટ્રી મળી !
પોલીસે મૃતક અબ્બાસના મોબાઈલ ફોનનો કબજો લઈ તેની તપાસ કરતાં તેમાંથી આપઘાત અંગે ઈસ્લામ ધર્મ શું કહે છે, કુરાન શું કહે છે, ઈમામ હુસેન શું કહે છે ? તે સહિતની સર્ચ હિસ્ટ્રી મળી આવી હતી. આ સર્ચિંગ તેણે આખી રાત કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
દસ પાના લખેલી ડાયરી મળી આવી જેમાં બેન્ક એકાઉન્ટ ઉપરાંત પાસવર્ડ સહિતનું લખાણ મળ્યું
પોલીસે અબ્બાસના ફ્લેટમાંથી એક ડાયરી પણ કબજે કરી હતી જેમાં દસ પાનામાં લખાણ લખેલું હતું. આ લખાણમાં એમ લખેલું હતું કે પોતાના ગયા બાદ સઘળી મિલકત બહેનને આપવામાં આવે અને તેનું ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત ડાયરીમાં બેન્ક એકાઉન્ટની વિગત, વિવિધ પ્રકારના પાસવર્ડ, ચેકબુક, પાસબુકની વિગત સહિતનું લખાણ લખેલું હોય પોલીસે ખરેખર આ લખાણ અબ્બાસે જ લખ્યું છે કે કેમ તે અંગે હસ્તાક્ષર નિષ્ણાતોની મદદ લીધી છે.
બનાવ 70% આપઘાતનો હોવાનું લાગી રહ્યું છેઃ ડીસીપી ક્રાઈમ
આ અંગે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે હાલ તો આ બનાવ 70% આપઘાતનો હોય તેવું લાગી રહ્યું છે આમ છતાં પોલીસ દ્વારા અન્ય એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે જેમાં નેપાળી ચોકીદાર સહિતની સઘન પૂછપરછ ચાલી રહી છે.
પિતા ગુજરી ગયા ત્યારે જ આપઘાતનો પ્રયાસ કર્યો’તો પણ હિંમત ન ચાલીઃ ડાયરીમાં ઉલ્લેખ
પોલીસને મળી આવેલી ડાયરીમાં એવું લખાણ પણ લખેલું છે કે અગાઉ જ્યારે પિતા એટલે કે અબ્બાસના પિતા ગુજરી ગયા ત્યારે પણ મેં આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું પરંતુ ત્યારે મારી હિંમત ચાલી ન્હોતી. મૃતક અબ્બાસ પાસેથી એક પાકિટ પણ મળ્યું હતું જેમાં પાંચેક હજારની રોકડ હતી. જો કે ડાયરીમાં પોતે આર્થિક સંકળામણ અનુભવી રહ્યાનું પણ લખાણ મળ્યું હતું.
એપાર્ટમેન્ટના કેમેરા છ મહિનાથી બંધ
પોલીસે જ્યારે એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરા ચકાસવાનો પ્રયત્ન કર્યો ત્યારે ડીવીઆર છ મહિનાથી બંધ પડ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી આસપાસના ફૂટેજ મેળવી કોઈ વ્યક્તિની અવર-જવર જોવા મળી રહી છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ આરંભાઈ છે.
