વધુ એક તકલીફ! હવે ક્યુઆર(QR)કોડવાળો જન્મનો દાખલો હશે તો જ નવું આધારકાર્ડ નીકળશે,નવો પરિપત્ર પ્રસિદ્ધ
રાજકોટ મહાપાલિકાની જન્મ-મરણ શાખામાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વચ્ચે હવે સરકાર દ્વારા એક નવો પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જે પ્રમાણે હવેથી નવું આધારકાર્ડ કઢાવવું હોય અથવા તો આધારકાર્ડમાં સુધારા-વધારા કરવા હોય તો અરજદારે ક્યુઆર કોડવાળો નવો જન્મનો દાખલો કઢાવવો પડશે અને આ દાખલાના આધારે જ આગળની કાર્યવાહી શક્ય બનશે.
ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પાસે આધારકાર્ડ ન હોય અને તેણે આધારકાર્ડ કઢાવવાનું થાય તો પહેલાં તેણે નવો જન્મનો દાખલો કે જેમાં ક્યુઆર કોર્ડ નાખેલો હશે તે દાખલો રજૂ કર્યા બાદ જ નવું આધારકાર્ડ કઢાવી શકાશે. આ ઉપરાંત સુધારા-વધારા માટે પણ નવો દાખલો જરૂરી રહેશે. એકંદરે હવે પહેલાં જન્મનો નવો દાખલો કઢાવવો પડશે અને ત્યારપછી આગળનું કામ થઈ શકશે.
મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી યાદી પ્રમાણે મહાપાલિકા દ્વારા વોર્ડવાઈઝ આધાર કેન્દ્ર તેમજ ઝોનલ કચેરીએ આધાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે. અહીં નવા આધાર તેમજ સુધારા-વધારા કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે જે પૂરાવા રજૂ કરવામાં આવે છે તેની યથાર્થતાની ચકાસણી ક્યુઆર કોડ તેમજ અન્ય પદ્ધતિ મારફતે ઓનલાઈન કરાઈ રહી છે. શહેરીજનોએ આધારની કામગીરી માટે હવે મહાપાલિકાની વોર્ડ ઓફિસ તેમજ ઝોનલ કચેરીએ જન્મના નવા દાખલા સાથે જવાનું રહેશે.
આ પણ વાંચો :RDXથી ઉડાવી દેશું…હાઇકોર્ટ સહિત ગુજરાતની 5 જિલ્લાની કોર્ટને મળ્યો ધમકીભર્યો ઇમેઇલ,પરિસરમાં સુરક્ષા એજન્સીઓનું સધન ચેકીંગ
જન્મ-મરણ શાખા કામગીરીના ભારણ હેઠળ દબાઈ જશે !
જાણવા મળ્યા પ્રમાણે કેન્દ્ર સરકારના નવા સીઆરએસ પોર્ટલ ઉપર જન્મના દાખલામાં બાળકના નામ આગળ પિતા તેમજ અટક સહિત પૂરું નામ લખવાની પ્રક્રિયા છેલ્લા બે મહિનાથી બંધ થઈ છે જેના કારણે ચાર લાખ દાખલામાં સુધારા થઈ શકતાં નથી ત્યારે હવે નવો ક્યુઆર કોડવાળો દાખલો હશે તો જ આધારમાં સુધારા-વધારા તેમજ નવું આધારકાર્ડ બની શકશે તેવો પરિપત્ર પ્રસિદ્ધ થવાને કારણે જન્મ-મરણ શાખા કામગીરીના ભારણ હેઠળ દબાઈ જશે તે નિશ્ચિત બની ગયું છે.
