રાજકોટ સહિત રાજ્યભરમાં સોની વેપારીઓ પર તોલમાપ ખાતાના દરોડા: 370 સોના-ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ
ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે.આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકી તેમજ રાજ્ય મંત્રી પી.સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ તંત્ર દ્વારા રાજ્યના 370 જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી. જેમાં તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ.6,79,000/-જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે.
આ તપાસમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 61 એકમોની તપાસ સામે 22 કેસ, ભરૂચ-નર્મદામાં 27 એકમોની તપાસ સામે 25 કેસ, જૂનાગઢ-ગીરસોમનાથમાં 21 એકમોની તપાસ સામે 20 કેસ, ભાવનગર/બોટાદમાં 20 એકમોની તપાસ સામે 17 કેસ તથા સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય તપાસમાં ગાંધીનગર, વડોદરા, પાટણ, છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-િંહમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોકની ‘હેટ્રિક’ફટકારી: કુખ્યાત ‘બાટલીગેંગ’ને ગુજસીટોક હેઠળશીશા’માં ઉતારાઈ
કાનૂની માપવિજ્ઞાન તંત્રના જણાવ્યા મુજબ ઝુંબેશ દરમિયાન રાજ્યના અલગ-અલગ સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસણી હાથ ધરતાં નિયત કાયદા હેઠળના અમલીકરણ નિયમ/કલમોના ભંગ બદલ એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઝુંબેશ દરમિયાન સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમમાં વપરાતા વજનકાંટાની તપાસ કરતાં ચકાસણી-મુદ્રાંકન સિવાયના વજન-માપ ઉપયોગમાં લેવા, નિયત વજન કરતાં ઓછું વજન આપવું, ફેર ચકાસણી અને મુદ્રાંકન કરાવ્યા સિવાયના વજનમાપ ઉપયોગમાં લેવા, ચોકસાઈ ચકાસવા માટે ચકાસણી અને મુદ્રાંકન થયેલ સિવાયના વજનો રાખવા, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી વિવિધ ગેરરીતિઓ સામે આવી છે. વર્ષ દરમિયાન વેપારીઓ પાસેથી વિવિધ ગેરરીતિ બદલ કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા કુલ રૂ. 18.77 લાખથી વધુની માંડવાળ ફી વસૂલ કરીને રાજ્યના ગ્રાહકોના હિતમાં સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
