રાજકોટમાં વાયબ્રન્ટની 90% તૈયારી પૂર્ણ: PMનો કાર્યક્રમ જ્યાં થવાનો છે તે ડોમ ફાયર-વોટરપ્રુફ,150થી વધુ શ્રમિકોએ રાત-દિવસ એક કરી ડોમ બનાવ્યા
11 જાન્યુઆરીથી રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ સમિટ શરૂ થવા જઈ રહ્યું છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવોના હસ્તે થવાનું છે. આ કાર્યક્રમની તૈયારીને અંતિમ ઓપ આપવા માટે દરેક તંત્ર વ્યસ્ત જોવા મળી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ જ્યાં યોજાવાનો છે તે મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ સમિટની તૈયારી 90% પૂર્ણ થઈ ગયાનું `વોઈસ ઓફ ડે’ના રિયાલિટી ચેકમાં ધ્યાન પર આવ્યું હતું. અહીં છેલ્લા 25 દિવસની અંદર 150થી વધુ કારીગરે રાત-દિવસ કામ કરીને એક બાદ એક ડોમ તૈયાર કર્યા છે.

મારવાડી યુનિવર્સિટીમાં કુલ છ વિશાળ કદના ડોમ તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં ઉદ્યોગપતિઓ વચ્ચે મહત્ત્વની બેઠક તેમજ પ્રદર્શન યોજાશે. યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગની સામેના ભાગે જ્યાં પાર્કિંગ સ્પેસ છે ત્યાં ડોમ ઉભો કરી વડાપ્રધાનના કાર્યક્રમનું આયોજન ત્યાં ગોઠવવામાં આવ્યું છે. અહીં એક હજારથી વધુ લોકો બેસી શકે તે પ્રકારે ડોમ ઉભો કરવામાં આવ્યો છે જેમાં 80થી વધુ એ.સી.સહિતનું ફિટિંગ કામ જેટઝડપે ચાલી રહ્યું છે. વળી, આ ડોમ ફાયર તેમજ વોટર પ્રુફ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન અહીં દોઢેક કલાક જેટલો સમય રોકાણ કરશે અને તેમની સાથે ટોચના ઉદ્યોગપતિઓ સહિતના પણ ઉપસ્થિત રહેન ાર હોવાથી તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એકંદરે યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યા બાદ વડાપ્રધાનનો કાફલો સીધો ડોમના ગેઈટ પર જ ઉભો રહે તેવી રીતે રૂટ નક્કી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :વડાપ્રધાન મોદી 11મી જાન્યુઆરીએ રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટનું કરશે ઉદઘાટન: VGRC થી સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે

જ્યારે છ ડોમ ઉભા કરવા માટે સરકાર દ્વારા યુનિવર્સિટીની બાજુમાં જ આવેલી જમીન ભાડે લેવામાં આવી છે અને ત્યાં લગભગ તમામ ડોમ તૈયાર થઈ ગયા છે અને હાલ ફાઈનલ ટચ આપવાની કામગીરી રવિવારે ચાલી રહી હતી.

અગાઉ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઉદ્યોગપતિઓ માટે સેમિનાર સહિતના કાર્યક્રમની વ્યવસ્થા મુખ્ય બિલ્ડિંગમાં કરવામાં આવશે પરંતુ હવે મુખ્ય બિલ્ડિંગની જગ્યાએ `સત્યાર્થી’ નામના બિલ્ડિંગમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બિલ્ડિંગના 11માંથી ચાર માળ બુક રાખવામાં આવ્યા છે અને દરેક રૂમને સેમિનારરૂમમાં તબદીલ કરી ટેબલ-ખુરશી સહિતની તૈયારી કરવામાં આવી રહી છે. જ્યારે `ટેગોર’ બિલ્ડિંગના બીજા-ત્રીજા માળે મીડિયા માટેની વ્યવસ્થા કરવા ઉપરાંત ઉદ્યોગપતિઓને પણ અહીં ઓફિસ આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો :નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ: વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા કર્યું આહવાન

બીજી બાજુ આજે સોમવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મારવાડી યુનિવર્સિટીની મુલાકાત લઇ તૈયારીઓની સમીક્ષા ર્ક્યા બાદ જરૂર જણાયે સુધારા-વધારા કરવાની સુચના આપી શકે છે. તેમની મુલાકાત પૂર્ણ થયા બાદ તંત્ર કાર્યક્રમની રૂપરેખાને ફાઇનલ ટચ આપી દેશે.
