પ્રિલીમને પ્રિ-બોર્ડ પરીક્ષા તરીકે લેવાશે: રાજકોટ જિલ્લામાંથી 76,612 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા
ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે તે પૂર્વે જાન્યુઆરી એટલે કે ચાલુ મહિનામાં તમામ સ્કૂલોમાં પ્રિલિમનરી પરીક્ષા શરૂ થશે જેને પ્રી બોર્ડ એક્ઝામ તરીકે લેવાશે તેમ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું. પરીક્ષાની તૈયારી ને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ શાળા સંચાલકો અને આચાર્ય સંઘની બેઠક મળી હતી.
ભયમુક્ત માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા માટેની રીસીપ્ટથી લઈને પ્રશ્નપત્ર આપવાની તમામ પદ્ધતિ બોર્ડની જેમ યોજવામાં આવશે. બોર્ડની પરીક્ષા દરમિયાન સ્ક્વોડ, બારકોડેડ સ્ટીકર, વિદ્યાર્થીઓની એન્ટ્રી તેમજ સીસીટીવી મોનિટરિંગ આ બધી જ પ્રક્રિયા આ પરીક્ષા દરમિયાન કરવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તે પ્રકારનું વાતાવરણ રખાશે જેથી ફાઇનલ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ટેન્શન ફ્રી થઈને પરીક્ષા આપી શકે.
આ પણ વાંચો :15 જાન્યુ. સુધી રાજકોટ એરપોર્ટ ઓથોરિટી અને CISF એલર્ટ પર: PM મુવમેન્ટને લઈને 600થી વધુ કર્મચારીઓની રજાઓ કેન્સલ
26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થશે જે 18 માર્ચ સુધી લેવાશે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12માં 76,612 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ડી.ઈ.ઓ.નાં જણાવ્યા અનુસાર ધોરણ 10માં 45,421 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7,984 અને સામાન્ય પ્રવાહમાં 23,207 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
