રાજકોટમાં મિલકત ખરીદ,વેચાણ દસ્તાવેજોમાં સરકારને ડિસે.માં રુ.80.19 કરોડની આવક: કમુહૂર્તાને લઇને દસ્તાવેજ વધ્યા
રાજકોટ શહેર-જિલ્લામાં ગત માસે ડિસેમ્બર-2025માં મિલક્તોના ખરીદ-વેચાણ દસ્તાવેજોમાં રજિસ્ટ્રેશન ફી, સ્ટેમ્પ ડ્યુટી પેટે સરકારી તિજોરીને 80,19,39,633 (80.19 કરોડ)ની આવક થવા પામી છે. નવેમ્બર માસ કરતા 17 કરોડથી વધુનો સરકારને નફો (આમદની) થઈ હતી. આ વખતે પણ દસ્તાવેજો મિલક્તોના ખરીદ-વેચાણમાં મોરબી રોડ હોટકેક જેવો રહ્યો હતો. ડિસેમ્બર માસમાં રાજકોટ શહેર-જિલ્લામાં મળી 13,521 મિલક્તોના દસ્તાવેજો થયા હતા જેમાં પ્રથમ ક્રમે 10 ટકા જેટલા દસ્તાવેજો માત્ર રાજકોટના મોરબી રોડ પરની પ્રોપર્ટીઓના થયા. તાલુકાઓમાં ગોંડલ મોખરે રહ્યું હતું.
દસ્તાવેજ નોંધણી કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ શહેરમાં અલગ-અલગ ઝોનમાં થયેલા દસ્તાવેજોમાં મોરબી રોડ પર 1734 દસ્તાવેજો થયા, બીજા ક્રમે મવડી વિસ્તાર રહ્યો 1304, ત્રીજા ક્રમે રૈયામાં 1130, રતનપર વિસ્તારમાં 966, રાજકોટ-1માં 950, કોઠારિયામાં 811, નાનામવામાં 804, રૂરલમાં 721 દસ્તાવેજો નોંધાયા હતા.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ગોંડલ તાલુકામાં 1271, બીજા ક્રમે લોધીકામાં 835, જેતપુરમાં 699, કોટડાસાંગાણીમાં 537, જસદણમાં 517, ઉપલેટામાં 484, ધોરાજીમાં 320, પડધરીમાં 252, સૌથી ઓછા જામકંડોરણા તાલુકામાં 107 તથા વિંછીયામાં 79 મિલક્તોના નામ ખરીદ-વેચાણ દસ્તાવેજો થયા હતા.
આ પણ વાંચો :સ્માર્ટ સિટીના બણગા વચ્ચે રાજકોટમાં ગટર ઉભરાવાની 2.65 લાખ ફરિયાદ! 1 વર્ષમાં સ્ટ્રીટલાઈટના ધાંધિયાની 49234 લાખ રાવ મળી
કમુહૂર્તાને લઇને દસ્તાવેજ વધ્યા
2025માં ડિસેમ્બર માસમાં નવેમ્બર માસ કરતાં 1643 દસ્તાવેજો વધુ નોંધાયા હતા. નવેમ્બરમાં 11,858 દસ્તાવેજો સાથે સરકારી તિજોરીને 63.67 કરોડની આવક થઈ હતી. જ્યારે ગત માસે ડિસેમ્બરમાં 17 કરોડથી વધુની આવક થઈ છે. ડિસેમ્બર માસમાં 15 તારીખથી 14 જાન્યુઆરી એક માસ સુધી કમુહૂર્તા હોવાથી આ સમય દરમિયાન શુભ કામો કે ખરીદ-વેચાણ સોદા ઓચા થતાં હોય છે જેને લઈને ડિસેમ્બરના આરંભથી જ વધુ દસ્તાવેજો નોંધાયા હોવાનું તંત્રનું અનુમાન છે.
