સ્માર્ટ સિટીના બણગા વચ્ચે રાજકોટમાં ગટર ઉભરાવાની 2.65 લાખ ફરિયાદ! 1 વર્ષમાં સ્ટ્રીટલાઈટના ધાંધિયાની 49234 લાખ રાવ મળી
એક બાજુ રાજકોટ સ્માર્ટ સિટી બની ગયું છે તેવા એ.સી.ચેમ્બરમાં બેસીને બણગા ફૂંકતા અધિકારીઓ અને પદાધિકારીઓ થાકતાં નથી. લોકોને ક્યારેય ગળે ન ઉતરે અને સમજાય નહીં તેવા એવોર્ડ મેળવીને જાણે કે મોટી ઉપલબ્ધી હાંસલ કરી લીધી હોય તે પ્રકારે વાહવાહી લૂંટનારા તંત્રવાહકોની પોલ શહેરીજનોને પ્રાથમિક સુવિધામાં કેવી મુશ્કેલી પડી છે તેના પ્રાપ્ત થયેલા આંકડા ખોલી રહ્યા છે. આંકડાઓ પ્રમાણે પાછલા એક વર્ષમાં શહેરમાં ગટર ઉભરાવાની કુલ 2.65 લાખ ફરિયાદ મળી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું હતું.
ગટર ઉભરાવા ઉપરાંત સ્ટ્રીટલાઈટના ધાંધિયા, કચરાનો સમયસર નિકાલ કે ઉપાડ, પાણીનું અનિયમિત વિતરણ અથવા પૂરતા ફોર્સથી વિતરણ ન થવું, બાંધકામ શાખા, મરેલા પશુ ઉપાડવા સહિતની અલગ-અલગ વિભાગને લગતી કુલ 4,67,582 ફરિયાદ કોલ સેન્ટરમાં મળી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો :એક વર્ષમાં રાજકોટના 7440 યુગલે ખાધો લગ્નનો લાડું! લગ્ન બાદ તુરંત જ યુગલે મેરેજ સર્ટિ. માટે મહાપાલિકા કચેરી તરફ મુકી દોટ
આ પૈકી 4,62,465નો નિકાલ કરી દેવામાં આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે જે કેટલો સાચો હશે તે તો દાવો કરનાર જ જાણતા હશે. આશ્ચર્યની વાત એ છે કે 2024માં અલગ-અલગ વિભાગને લગતી કુલ 4,26,418 ફરિયાદ નોંધાઈ હતી જેની સામે આ વર્ષે 4,67,582 ફરિયાદ નોંધાઈ છે ત્યારે પાછલા વર્ષોમાંથી શીખ મેળવી સુવિધાઓમાં સુધારો કરવાની જગ્યાએ તંત્રવાહકો આળસ કરી જતાં ફરિયાદ ઘટવાને બદલી વધી જવા પામી હતી.
