ધૂમ્રપાન કરનારાઓને મોટો ઝટકો! આવતા માસથી સીગરેટ,પાનમસાલા, તમાકુ મોંઘા થશે: નાણા મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું
નવા વર્ષની શરુઆતમાં જ સિગારેટ ફૂંકનારા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. ભારત સરકારે સિગારેટ પર નવી એક્સાઇઝ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલય દ્વારા કરાયેલા આદેશ મુજબ નવી એક્સાઇઝ ડ્યુટી 1 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે. આ નવી એક્સાઇઝ ડ્યુટી સિગારેટની લંબાઈના આધારે લાગુ કરવામાં આવશે, જેમાં પ્રતિ હજાર નંગ પર રૂપિયા 2050થી લઈને 8500 સુધી નક્કી કરવામાં આવી છે. આ ટેક્સ હાલના 40 ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ ઉપરાંત (જીએસટી + નવી એક્સાઇઝ ડ્યુટી) વસૂલવામાં આવશે.
હાલમાં દેશમાં સિગારેટ પર કુલ 53 ટકા જેટલો ટેક્સ લાગી રહ્યો છે. જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા નિર્ધારિત 75 ટકાથી ઘણો ઓછો છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે નવી એક્સાઇઝ ડ્યુટી આ બંને વચ્ચેના અંતરમાં ઘટાડો કરશે. જેથી તમાકુથી થઈ રહેલા નુકસાનમાં સહાય મળશે. એક્સાઇઝ ડ્યુટી એ માલના ઉત્પાદન પર લાગુ કરવામાં આવતો કર છે, જે આલ્કોહોલ, પેટ્રોલિયમ અને તમાકુ જેવા કેટલાક ઉત્પાદનો પર લાગુ પડે છે.
મહત્ત્વનું છે કે આ પહેલા ડિસેમ્બર 2024માં સરકારે સેન્ટ્રલ એક્સાઇઝ સુધારા બિલ 2025ને મંજૂરી આપી હતી. જે પ્રમાણે સિગારેટ અને તમાકુના ઉત્પાદન પર અસ્થાયી (કામ ચલાઉ) ટેક્સને સમાપ્ત કરી સ્થાયી(કાયમી) ટેક્સ વ્યવસ્થા લાગુ કરવામાં આવી. નવી એક્સાઇઝ ડ્યુટી આ સુધારા બિલ કાયદા પ્રમાણે જ વધારવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી સિગારેટની કિંમતોમાં વધારો થશે, જેથી દેશભરના કરોડો સિગારેટ ફૂંકનારા લોકોના ખિસ્સા પર સીધી અસર પડશે. સરકારનો હેતુ વધારે ટેક્સ લગાવી તમાકુનું સેવન લોકો ઓછું કરે તેવો છે જેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઘટાડી શકાય, નવી નીતિથી તમાકુ ઉત્પાદનના વેચાણમાં ઘટાડો આવશે તેવી શક્યતા છે, જેથી સાર્વજનિક સ્વાસ્થ્યને પણ લાભ થશે. સરકાર આ માટે તૈયાર જ છે તેમ મનાય છે. જો કે તેમાટે પણ અગાઉથી જ બધાના મત લેવાયા હતા અને સહંતિથી આ પગલું લેવાયું છે. જો કે સરકાર હજુ પણ આકરા પગલાં લેવા માંગે છે આગામી દિવસોમાં સીગરેટ અને તમાકુ વધુ મોંઘા કરવાનો પ્રયાસ થઈ શકે છે.
