દેશની પ્રથમ બુલેટ ટ્રેન આવતા વર્ષે 15 ઓગસ્ટથી દોડતી થશે: કેન્દ્રીય રેલવેમંત્રીની જાહેરાત, સુરત-બીલીમોરાના રૂટથી થશે શરુઆત
કેન્દ્રીય રેલ મંત્રી વૈષ્ણવની જાહેરાત, પ્રથમ તબક્કામાં સુરતથી બીલીમોરા, બીજામાં વાપીથી સુરત, ત્રીજા તબક્કામાં વાપીથી અમદાવાદ, ત્યારબાદ મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે
નવા વર્ષના પ્રથમ દિવસે ગુરુવારે બુલેટ ટ્રેનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા. ભારતીય રેલવેના ઇતિહાસમાં ટૂંક સમયમાં એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવાનો છે. દેશને પહેલી વખત બુલેટ ટ્રેનની સુવિધા મળવા જઈ રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટ 2027થી દેશની પહેલી બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે.
રૂટ અંગે માહિતી આપતા એમણે કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા, બીજા તબક્કામાં વાપીથી સુરત, ત્રીજા તબક્કામાં વાપીથી અમદાવાદ અને ત્યારબાદ મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે.
વૈષ્ણવે જણાવ્યું કે, સરકાર હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. તેમણે મજાકિય અંદાજમાં કહ્યું હતું કે, “બુલેટ ટ્રેનની ટિકિટ હમણાંથી જ બુક કરી લો, ટ્રેન સમયસર આવી જશે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, સરકાર પ્રોજેક્ટને લઈને આત્મવિશ્વાસ ધરાવે છે.
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે સુરત ખાતેના બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ત્યાં કામ કરતા ઇજનેરો તથા કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરી હતી.
પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન ગુવાહાટીથી કોલકત્તા વચ્ચે દોડશે
રેલવે મંત્રીએ વધુમાં માહિતી આપી કે, વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંપૂર્ણ પરીક્ષણ અને પ્રમાણપત્ર પૂર્ણ થઈ ગયું છે. આ ટ્રેનનો પહેલો રૂટ ગુવાહાટીથી કોલકાતા સુધીનો રહેશે. વડાપ્રધાન મોદી સંભવત; 17 અથવા 18 જાન્યુઆરીએ તેને લીલીઝંડી આપી શકે છે. વંદે ભારત સ્લીપર ટ્રેન લાંબા અંતરની રાત્રિ મુસાફરી માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. તેમાં મુસાફરોને આધુનિક સુવિધાઓ, વધુ સલામતી અને આરામદાયક પ્રવાસનો અનુભવ મળશે. ત્રણની સ્પીડ 180 કિમી પ્રતિકલાક રહેશે. આ ટ્રેનનો લુક ખૂબ જ આકર્ષક છે.
